પાંચ શ્રુતકેવળી

અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી નિર્વાણ પામ્યા તે જ દિવસે કોઈને કેવળજ્ઞાન થયું નહોતું અર્થાત્ તેમના પછી કોઈ અનુબધ્ધકેવળી થયા નથી. તેમના નિર્વાણ બાદ કેટલાક સમય પછી અંતિમ કેવળી શ્રીધર ભગવંત થયા, જેઓ કુંડલગિરિથી સિધ્ધપદ પામ્યા. ચારણ ઋષિવરોમાં અંતિમ ઋષિવર શ્રુત, વિનય અને સુશીલથી સંપન્ન "શ્રી" નામના ઋષિ થયા. મુકુટબધ્ધ રાજાઓમાં ચંદ્રગુપ્ત નામના રાજાએ જિનદીક્ષા અંગીકાર કરી ત્યાર પછી મુકુટબધ્ધ રાજાઓમાંથી કોઈએ પણ જિનદીક્ષા ધારણ કરી નથી.

જંબુસ્વામી પછી વિષ્ણુનંદિ, નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુસ્વામી એ પાંચેય આચાર્યો બાર અંગના ધારક શ્રુતકેવળી થયા. તેમનો કુલ સામુહિક સમય સો વર્ષનો છે. તેમના પછી કોઈ શ્રુતકેવળી થયા નથી.

હવે, આપણે આ પાંચેય શ્રુતકેવળી ભગવંતોનો સંક્ષિપ્ત પરિચય જોઈશું :

(1) પ્રથમ શ્રુતકેવળી શ્રી વિષ્ણુનંદિ : (અપરનામ વિષ્ણુ, નંદિ અથવા નંદિમુનિ)

સમય : વીર નિર્વાણ સંવત ૬૨ થી ૭૬, ઇ.સ. પૂર્વ ૪૬૫ થી ૪૫૧. (૧૪ વર્ષ)

જંબુસ્વામીના નિર્વાણ બાદ સકલ સિધ્ધાંતના જ્ઞાતા શ્રી વિષ્ણુનંદિ આચાર્ય હતા, જેઓ બાર અંગના ધારક પ્રથમ શ્રુતકેવળી થયા. ઉગ્ર તપના કારણે તેમનું શરીર અત્યંત કૃશ થયું હતું. તેઓ જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન રહેતા હોવા છતાં મુનિસંઘનું કુશળતાથી સંચાલન કરતા હતા. આપના પ્રભાવથી સંઘના મુનિવરો પોતાના કર્તવ્યથી વિચલિત થતા નહોતા. આપની પ્રશાંત, સૌમ્ય મુદ્રાનો મુનિસંઘ પર વિશિષ્ટ પ્રભાવ હતો.

આપે ચૌદ વર્ષ સુધી સંઘ સહિત અનેક પ્રદેશોમાં વિહાર કરી ધર્મોપદેશ દ્વારા જગતના જીવોનું કલ્યાણ કર્યું. અંતમાં આપે નંદિમિત્ર આચાર્યને બાર અંગનો ઉપદેશ આપી તેમ જ સંઘનો બધો જ ભાર સોંપી દેવલોકમાં પધાર્યા.


(2) બીજા શ્રુતકેવળી શ્રી નંદિમિત્ર :

સમય : વીર નિર્વાણ સંવત : ૭૬ થી ૯૨, ઇ.સ. પૂર્વ ૪૫૧ થી ૪૩૫ (૧૬ વર્ષ).

  • મહામુનિ નંદિમિત્ર ધ્યાન અને અધ્યયન એ બે જ પ્રવૃત્તિ દ્વારા પોતાની આત્મ-સાધનામાં તલ્લીન રહેતા હતા. તેઓ ઉપસર્ગ અને પરિષહોને સામ્યભાવથી સહન કરતા હતા.
  • આપે ૧૬ વર્ષ સુધી સંઘ સહિત વિવિધ નગરોમાં વિહાર કરી મહાવીર શાસનનો પ્રચાર કર્યો અને ધર્મોપદેશ આપી અનેક જીવોને કલ્યાણનો માર્ગ બતાવ્યો.
  • અંતમાં આપે શ્રી અપરાજિત આચાર્યને બાર અંગનો ઉપદેશ આપી તેમ જ સંઘના સંચાલનની જવાબદારી આપી દેવલોક પધાર્યા.

(3) ત્રીજા શ્રુતકેવળી શ્રી અપરાજિત આચાર્ય :

સમય : વીર નિર્વાણ સંવત : ૯૨ થી ૧૧૪, ઇ.સ. પૂર્વ ૪૩૫ થી ૪૧૩ (૨૨ વર્ષ)

શ્રી અપરાજિત આચાર્યદેવે ઉગ્ર તપ દ્વારા કષાય-અગ્નિને ઉપશમ કરેલી. ધ્યાન, અધ્યયન અને અધ્યાપન જ આપનું મુખ્ય કાર્ય હતું. આપનું શરીર કૃશ હોવા છતાં આપનું આત્મિક બળ અતુલ હતું. આપની સૌમ્ય પ્રકૃતિ અને હિત-મિત વચનો સંઘમાં ખાસ વિશેષતા રાખતાં હતાં. આપ અન્યમતના ખંડન કરવામાં તથા જૈનમતને સત્ય સિધ્ધ કરવામાં કુશળ હતાં.

શ્રી અપરાજિત આચાર્ય વાદ કરવામાં અત્યંત નિપુણ હતા, કોઈ તેમને હરાવી શકતું નહીં. તેથી તેમનું અપરાજિત નામ સાર્થક હતું. તેઓ બાર અંગના જ્ઞાતા શ્રુતકેવળી હતા. સંઘનું સફળ સંચાલન કરતાં કરતાં સંઘ સહિત અનેક દેશ, નગર અને ગામોમાં વિહાર કરી વીરશાસનના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અંતમાં આપે શ્રી ગોવર્ધન આચાર્યને બાર અંગનું જ્ઞાન આપી તેમ જ સંઘનું સંચાલન સોંપી દેવગતિ પ્રાપ્ત કરી.

(4) ચોથા શ્રુતકેવળી શ્રી ગોવર્ધન આચાર્ય :

સમય : વીર નિર્વાણ સંવત ૧૧૪ થી ૧૩૩, ઇ.સ. પૂર્વ ૪૧૩ થી ૩૯૪, (૧૯ વર્ષ).

આપ શ્રી અપરાજિત શ્રુતકેવળીના શિષ્ય હતા. અંતર્‍બાહ્ય ગ્રંથિના પરિત્યાગી, મહા તપસ્વી તથા અષ્ટાંગ મહાનિમિત્તના જ્ઞાતા હતા. આપે ભદ્રબાહુને બાર અંગનું જ્ઞાન આપી, સંઘનું સંપૂર્ણ સંચાલન સોંપી તેમ જ સમાધિમરણપૂર્વક દેહત્યાગ કરી દેવગતિને પ્રાપ્ત કરી.


(5) પાંચમા-અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ (પ્રથમ) :

સમય : વીર નિર્વાણ સંવત ૧૩૩ થી ૧૬૨, ઇ.સ. પૂર્વ ૩૯૪ થી ૩૬૫, (૨૯ વર્ષ).

એક વખત ગોવર્ધન આચાર્ય સંઘ સહિત વિહાર કરતાં કરતાં ઉર્જયન્તગિરિ પર્વત ઉપર ભગવાન નેમિનાથ જિનેન્દ્રની સ્તુતિ-વંદના કરી દેવકોટ્ટનગરમાં પધાર્યા, જે પોડ્રવર્ધન દેશમાં સ્થિત હતું. ત્યાં તેમણે રસ્તામાં કેટલાક બાળકોને રમતાં જોયા. તેમાંનો એક બાળક તેજસ્વી અને પ્રખર બુધ્ધિવાળો હતો. તેણે એકની ઉપર એક એમ ચૌદ ગોળ પત્થર ચઢાવી દીધા. આ જોઈને આચાર્યશ્રીએ નિમિત્તજ્ઞાનથી જાણી લીધું કે આ બાળક બાર અંગનો ધારક અંતિમ શ્રુતકેવળી થશે. તેમણે બાળકનું નામ, પિતાનું નામ વગેરે પૂછ્યું. બાળકે પોતાનું નામ ભદ્રબાહુ અને પિતાનું નામ સોમશર્મા કહ્યું. આચાર્યશ્રીએ પૂછ્યું : ’વત્સ ! તું અમને તારા પિતાને ઘરે લઈ જઈશ ?’ બાળક તેમને તત્કાલ પોતાના ઘેર લઈ ગયો. ભદ્રબાહુના પિતા સોમશર્માએ આચાર્ય મહારાજને જોતાં જ વિનયથી નમસ્કાર કરી, ઉચ્ચ આસન પર બેસાડ્યા. ગોવર્ધન આચાર્યદેવે કહ્યું : ’તમે તમારા દિકરાને વિદ્યા ભણાવવા માટે મારી પાસે મોકલો.’ સોમશર્માએ તેમની વાત સ્વીકારી અને આચાર્યશ્રીની સાથે પોતાના દિકરા ભદ્રબાહુને મોકલ્યો. આચાર્યદેવે તેને ઘણી વિદ્યાઓ શીખવાડી અને ઉચ્ચકોટિનો વિદ્વાન બનાવ્યો. પછી કહ્યું કે હવે તું વિદ્વાન થઈ ગયો છે, તેથી તું હવે તારા માતા-પિતા પાસે જઈ શકે છે. ભદ્રબાહુ પોતાના પિતા પાસે આવે છે. તેઓ તેને વિદ્વાન જોઈને ખૂબ આનંદિત થાય છે.

પછી ભદ્રબાહુ પિતાની આજ્ઞા લઈને ફરી આચાર્યદેવના સંઘમાં આવે છે અને દિગંબર દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા બાદ ભદ્રબાહુ મુનિરાજ ઉગ્ર તપની સાથે સાથે અધ્યયનમાં લીન રહે છે. ગોવર્ધન આચાર્યદેવ તેમને બાર અંગનું જ્ઞાન આપે છે તેમ જ સંઘની પૂર્ણ જવાબદારી સોપી, સમાધિમરણપૂર્વક દેહ ત્યાગ કરીને દેવગતિને પ્રાપ્ત કરે છે.

ભદ્રબાહુ શ્રુતકેવળી પોતાના વિશાળ સંઘ સાથે અનેક દેશોમાં વિહાર કરતાં કરતાં ઉજ્જૈન પધારે છે. ત્યાં સિપ્રા નદીના કિનારે ઉપવનમાં રોકાય છે. ત્યાં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય આવીને તેમની વંદના કરે છે.

એક દિવસ ભદ્રબાહુ સ્વામી આહાર માટે નગરીમાં આવે છે અને એક મકાન પાસે ઉભા રહે છે, ત્યાં કોઈપણ મોટી વ્યક્તિ નહોતી, પરંતુ પારણામાં ઝૂલતા બાળકે કહ્યું : ’મુનિરાજ ! આપ અહીંથી તુરંત જ ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ’. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ પોતાના નિમિત્તજ્ઞાનથી જાણી લીધું કે અહીં બાર વર્ષનો ભારે દુષ્કાળ પડવાનો છે. બાર વર્ષ સુધી વરસાદ નહીં થવાથી અનાજ વગેરે થશે નહીં, ધીમે ધીમે આ પ્રદેશમાંથી મનુષ્યો બીજે ચાલ્યા જશે. આમ જાણીને તેઓ આહાર લીધા વિના જ પાછા ફર્યા. ત્યાંથી જિનમંદિરમાં આવી જરૂરી ક્રિયાઓ કરી, બપોરે જ સમસ્ત મુનિસંઘમાં જાહેરાત કરી કે અહીં બાર વર્ષનો દુષ્કાળ પડવાનો છે, માટે સમસ્ત સંઘે દક્ષિણ દેશમાં ચાલ્યા જવું.

સમ્રાટ ચંદ્રગુપ્તને રાત્રે સોળ સ્વપ્ના આવે છે. તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે ધર્મોપદેશ સાંભળવા તથા આ સ્વપ્નાનું ફળ પૂછવા આવે છે. આચાર્યદેવે કહ્યું : ’તમારા સ્વપ્ના અનિષ્ટ ફળના સૂચક છે. અહીં બાર વર્ષ સુધી ભારે દુષ્કાળ પડવાનો છે, તેમાં જાન-માલનું ઘણું નુકશાન થશે’.

ચંદ્રગુપ્ત રાજા આ વાત સાંભળી, વૈરાગ્ય થતાં, પોતાના પુત્રને રાજ્યનો ભાર સોંપી આચાર્ય ભદ્રબાહુ પાસે જિનદીક્ષા અંગીકાર કરે છે.

આચાર્ય ભદ્રબાહુ ત્યાંથી સંઘ સહિત નીકળીને દક્ષિણ ભારતમાં શ્રવણબેલગોલા પધારે છે. ત્યાં તેમણે કહ્યું : ’મારું આયુષ્ય હવે અલ્પ છે. તેથી હું અહીં જ રહીશ’. તેમણે મુનિસંઘને જણાવી દીધું કે તેઓ શ્રી વિશાખાચાર્યના નેતૃત્વમાં આગળ જાય.

ભદ્રબાહુ આચાર્ય શ્રુતકેવળી હોવા ઉપરાંત અષ્ટાંગ મહાનિમિત્તના પણ જ્ઞાતા હતા. તેઓ દક્ષિણ દેશમાં જૈનધર્મના પ્રચારની વાતથી માહિતગાર હતા જ. તેથી જ તેમણે બાર હજાર સાધુઓના વિશાળ સંઘને દક્ષિણમાં જવાની આજ્ઞા કરી હતી. તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે ત્યાં જૈન સાધુઓના આચારનું પાલન નિર્વિઘ્નપણે થશે.

ભદ્રબાહુ આચાર્ય અહીં શ્રવણબેલગોલામાં જ રહી જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય, કે જેમનું દીક્ષા નામ પ્રભાચંદ્ર હતું તેઓ પણ, પોતાના ગુરુની સેવા-સુશ્રુષા માટે અહીં રોકાઈ જાય છે. ભદ્રબાહુસ્વામીએ અવમૌદર્ય (ઉણોદર) તપ કર્યું અને પછી સમાધિમરણ પ્રાપ્ત કર્યું. તેમના સમાધિમરણ સંબંધી ભગવતી આરાધનામાં આ પ્રમાણે ઉલ્લેખ છે :

ओमोदरिये घोराए भद्रबाहु य संकिलिट्ठमदी।

घोराए तिगिंच्छाए पडिवण्णें उत्तमं ठाणं ।।૧૫૪૪।।

ભદ્રબાહુસ્વામીના સ્વર્ગારોહણ બાદ બાર અંગના જ્ઞાનનો અભાવ થયો, કેમ કે તેઓ અંતિમ શ્રુતકેવળી હતા. ભદ્રબાહુ શ્રુતકેવળીના સ્વર્ગારોહણ બાદ શ્વેતાંબર પંથની અલગ પરંપરાઓ શરૂ થઈ.

ભદ્રબાહુસ્વામીના સંઘના જ સ્થૂલીભદ્ર અને સ્થુલાચાર્ય રામલ્ય નામના સાધુઓએ, ઉત્તર પ્રાંતમાં બાર વર્ષના દુષ્કાળના કારણે તે પ્રદેશો ત્યાગ કરી દક્ષિણમાં ગમન કરી જવા સંબંધીની, આચાર્યશ્રીની આજ્ઞા માની નહિ અને તેઓ ઉત્તર પ્રાંતમાં જ કેટલાક અન્ય સાધુઓ સાથે રહી ગયા. આ બાર વર્ષના દુષ્કાળ દરમ્યાન ઉત્તર પ્રાંતમાં સાધુઓ મુનિધર્મના આચારોનું નિર્દોષ પાલન કરી શક્યા નહીં, જેના ફળ સ્વરૂપે અત્યાર સુધી અખંડ રહેલું જિનશાસન બે ભાગમાં વિભાજિત થયું.

શ્રી વિશાખાચાર્ય, આચારાંગ આદિ અગિયાર અંગ તથા ઉત્પાદપૂર્વથી લ‍ઇને વિદ્યાનુવાદ પૂર્વ સુધીના દશ પૂર્વના જ્ઞાતા હતા અને બાકીના ચાર પૂર્વના એકદેશ ધારક હતા. આ વિશાખાચાર્યના આદેશ અને નિર્દેશથી બાર હજાર મુનિવરોએ દક્ષિણ દેશમાં વીરશાસનનો પ્રચાર-પ્રસાર કર્યો પાંડયદેશોમાં વિહાર કર્યો તેમ જ પોતાની સાધુચર્યાનું નિર્દોષરૂપથી પાલન કર્યું. બાર વર્ષના દુષ્કાળ બાદ તેઓ ફરી ઉત્તર દેશમાં વિહાર કરી ગયા.

શ્રી વિશાખાચાર્યની પરંપરામાં ક્રમે કરીને અગિયાર આચાર્યો થયા, કે જેઓ ૧૧ અંગ અને દસ પૂર્વના ધારક હતા. તેઓશ્રીના નામ આ પ્રમાણે છે: શ્રી વિશાખાચાર્ય, પ્રોષ્ઠિલ, ક્ષત્રિય, જયસેન (જય), નાગસેન (નાગ), સિદ્ધાર્થ, ઘૃતિષેણ, વિજય (વિજયસેન), બુદ્ધિલ્લ (બુદ્ધિલિંગ), ગંગદેવ (દેવ) અને ધર્મસેન (સુધર્મ).

તેમનો બધાનો કુલ સમય ૧૮૩ વર્ષનો છે.

આચાર્ય ધર્મસેનના સ્વર્ગવાસ બાદ દશપૂર્વ જ્ઞાનનો વિચ્છેદ થઈ ગયો. પરંતુ એટલી વિશેષતા રહી કે શ્રી નક્ષત્ર, જયપાલ, પાંડવ, ધ્રુવસેન (દ્વુમસેન, ઘુતસેન) અને કંસ - આ પાંચ આચાર્યો ૧૧ અંગના ધારક થયા. આ પાંચ આચાર્યોનો કુલ સમય ૧૨૩ વર્ષનો છે.

કંસાચાર્યના સ્વર્ગવાસ બાદ ભરતક્ષેત્રમાં કોઈપણ આચાર્ય અગિયાર અંગના ધારક ન થયા. તેમની પરંપરામાં થયેલા શ્રી સુભદ્ર, યશોભદ્ર (અભયભદ્ર), ભદ્રબાહુ (દ્વિતીય) (યશોબાહુ, જયબાહુ) અને લોહાચાર્ય (દ્વિતીય)-આ ચાર આચાર્યો આચારાંગ આદિ દશ અંગના ધારક હતા. આ ચાર આચાર્યોનો સામુહિક સમય ૯૭ વર્ષનો છે.

આમ, શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ બાદ શાસન પરંપરા આ પ્રમાણે થઈ :

ક્રમ સંખ્યા જ્ઞાન નામ સમય(વર્ષ)
1. ત્રણ અનુબધ્ધકેવળી ભગવંત. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ, શ્રી સુધર્મસ્વામી (લોહાચાર્ય) અને શ્રી જંબુસ્વામી ૬૨
2. પાંચ શ્રુતકેવળી ૧૨ અંગના જ્ઞાતા. શ્રી વિષ્ણુનંદિ, નંદિમિત્ર, અપરાજિત આચાર્ય, ગોવર્ધન આચાર્ય અને ભદ્રબાહુસ્વામી ૧૦૦
3. અગિયાર આચાર્ય, ૧૧ અંગ અને ૧૦ પૂર્વના જ્ઞાતા. શ્રી વિશાખાચાર્ય, પ્રોષ્ઠિલ, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, ઘૃતિષેણ, વિજય, બુદ્ધિલ્લ, ગંગદેવ અને ધર્મસેન ૧૮૩
4. પાંચ આચાર્ય, ૧૧ અંગના જ્ઞાતા. શ્રી નક્ષત્ર, જયપાલ, પાંડવ, ઘ્રુવસેન અને કંસ ૧૨૩
5. ચાર આચાર્ય આચારાંગ આદિ દસ અંગના જ્ઞાતા. શ્રી સુભદ્ર, યશોભદ્ર, ભદ્રબાહુ (દ્વિતીય) અને લોહાચાર્ય (દ્વિતીય) ૯૭
      કુલ સમય : ૫૬૫ વર્ષ

આ પ્રમાણે આપણે જોયું કે ક્રમે ક્રમે બાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાનમાં ઘટાડો થતો ગયો. અહીં સુધી એટલે કે વીર નિર્વાણના ૫૬૫ વર્ષ સુધી આ ઉપલબ્ધ જ્ઞાનને લિપિબદ્ધ કરવાની પરિપાટી નહોતી.


દ્રવ્યશ્રુત

  • જ્ઞાન
    જીવનો વિશેષ ગુણ તે જ્ઞાન છે અથવા જાણનમાત્ર તે જ્ઞાન છે.
  • જ્ઞાનના આઠ ભેદ
    • ૧) કેવળજ્ઞાન
    • (૨) મનઃપર્યયજ્ઞાન
    • (૩) અવધિજ્ઞાન
    • ૪) વિભંગજ્ઞાન (કુઅવધિજ્ઞાન)
    • (૫) શ્રુતજ્ઞાન
    • (૬) કુશ્રુતજ્ઞાન
    • (૭) મતિ જ્ઞાન
    • (૮) કુમતિજ્ઞાન
  • શ્રુતજ્ઞાન
    • - અવગ્રહથી લઈ ધારણા પર્યંત મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલ અર્થના નિમિત્તથી અન્ય અર્થનું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે.
    • - જે પરોક્ષરૂપે સર્વ વસ્તુઓને અનેકાંતરૂપ દર્શાવે છે.
    • - સંશય, વિપર્યય આદિથી રહિત જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
    • - શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે.
    • - આત્માની સિદ્ધિ માટે મતિ-શ્રુતજ્ઞાન નિયત કારણ છે.
  • શ્રુતજ્ઞાનના ભેદ
    દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત
  • દ્રવ્યશ્રુત ભાવશ્રુત
    આચારાંગાદિ બાર અંગ, ઉત્પાદપૂર્વાદિ ચૌદપૂર્વ અને સામાયિકાદિ ૧૪ પ્રકીર્ણક સ્વરૂપ દ્રવ્યશ્રુત છે અને તેના નિમિત્તે ઉત્પન્ન થતું નિર્વિકાર સ્વ-અનુભવરૂપ જ્ઞાન તે ભાવશ્રુત જાણવું.
  • દ્રવ્યશ્રુતના ભેદ
    અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય
  • અંગની વ્યાખ્યા
    ત્રણેય કાળના સમસ્ત દ્રવ્ય અથવા પર્યાયોને 'અંગતિ' અર્થાત્ પ્રાપ્ત થાય છે અથવા વ્યાપ્ત કરે છે તે અંગ છે. અથવા સમસ્ત શ્રુતના અને એને આચારાદિરૂપ અવયવને અંગ કહે છે.
  • અંગપ્રવિષ્ઠ
    આચારંગાદિ બાર ભેદ સહિત છે તે અંગપ્રવિષ્ઠ છે.
  • અંગ બાહ્ય
    ગણધરદેવના શિષ્ય-પ્રશિષ્યો દ્વારા અલ્પાયુ-બુદ્ધિબળવાળા જીવોને ઉપદેશાર્થે અંગોના આધારથી રચવામાં આવેલ સંક્ષિપ્ત ગ્રંથ અંગબાહ્ય છે.
  • બાર અંગની રચના
    તીર્થંકરદેવની ઓમકાર ધ્વનિ સુણતાં સમવસરણમાં ગણધરદેવને અને અંતર્મુહૂર્તમાં બાર અંગરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. ગણધરદેવ બીજ, કોષ્ઠ, પદાનુસારી તથા સંભિન્નશ્રોતૃત્વ બુદ્ધિ ઋદ્ધિધારી હોવાથી બાર અંગનું જ્ઞાન શક્ય બને છે.
  • અક્ષર
    • જેટલા અક્ષર છે તેટલું જ શ્રુતજ્ઞાન છે, કેમ કે એક એક અક્ષરથી એક એક ક્ષુતજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
    • એક માત્રાવાળા વર્ણ હૃસ્વ કહેવાય છે;
    • બે માત્રાવાળા વર્ણ દીર્ઘ કહેવાય છે;
    • ત્રણ માત્રાવાળા વર્ણ પ્લુત કહેવાય છે અને
    • અર્ધ માત્રાવાળા વર્ણ વ્યંજન કહેવાય છે.
    • વ્યંજન ૩૩ છે; સ્વર-૯, હૃસ્વ -૯, દીર્ઘ-૮, પ્લુત એમ મળીને ૨૭ છે અને અયોગવાહ અં, અઃ, x ક તથા x ૫ એમ ૪ છે. કુલ અક્ષર ૬૪ થાય છે.
  • ૬૪ અક્ષરની સ્થાપના:

    अ आ आરૂ, इ ई ईરૂ, उ ऊ ऊરૂ, ऋ,ॠ ॠરૂ, लृ,लॄ लॄરૂ, ए ए२ एરૂ, ऐ ऐ२ ऐરૂ, ओ ओ२ ओરૂ, औ औ२ औરૂ,

    क ख ग घ ङ च छ ज झ ञ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श ष स ह x क x प अं अः

    આ ૬૪ અક્ષરના પરસ્પર સંયોગમાંથી એક બાદ કરતા કુલ સંયોગાક્ષર ૧૮૪૪૬૭૪૪૦૭3૭૦૯૫૫૧૬૧૫ થાય છે.

  • પદ
    એક અક્ષરથી જે જઘન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અક્ષર શ્રુત-જ્ઞાન છે. એક અક્ષર ઉપર બીજા અક્ષરની વૃદ્ધિ થતાં અક્ષરસમાસ નામનું શ્રુતજ્ઞાન થાય છે. આ રીતે એક એક અક્ષરની વૃદ્ધિ કરતાં સંખ્યાત અક્ષરોની વૃદ્ધિ સુધી અક્ષરસમાસ શ્રુતજ્ઞાન થાય છે. વળી સંખ્યાત અક્ષરોની મેળવણીથી એક પદ નામનું શ્રુતજ્ઞાન થાય છે. પદ ત્રણ પ્રકારના છે. અર્થપદ, પ્રમાણપદ અને મધ્યમપદ.
  • પદ-અક્ષર
    એકેક અક્ષર પરથી અર્થની પ્રાપ્તિ થાય તે અર્થપદ છે; આઠ અક્ષર પરથી નિષ્પન્ન તે પ્રમાણપદ છે અને ૧૬ ૩૪,૮૩,૦૭,૮૮૮ તેટલા અક્ષરોનું ગ્રહણ એક મધ્યમપદ છે.

આઠ અક્ષરોનો એક શ્ર્લોક ગણતાં મધ્યમપદમાં

૫૧,૦૮,૮૪,૬૨૧+૧/૨ તેટલા શ્ર્લોક બને છે.

તેથી સકલ દ્રવ્ય શ્રુતજ્ઞાનના કુલ અક્ષર સંખ્યાને મધ્યમપદ વડે ભાગતાં ૧૧૨,૮૩,૫૮,૦૦૫ પદ બને છે તે બાર અંગના (અંગ પ્રવિષ્ઠના) કુલ પદો છે, અને ઉપરાંતમાં શેષ ૮,૦૧,૦૮,૧૭૫ અક્ષરો બાકી રહે છે. તેટલું અંગ બાહ્યશ્રુત છે.

અંગપ્રવિષ્ટશ્રુતના ભેદ, વિષય તથા પદોની સંખ્યા તથા અંગબાહ્યશ્રુતના ભેદ તથા વિષયનું વર્ણન આગળ કોષ્ટકમાં આપેલ છે.

દ્રવ્યશ્રુતના બે ભેદ છે. : (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય.

અંગ પ્રવિષ્ટ શ્રુતના બાર ભેદ છે. જે "દ્વાદશાંગી" (બાર અંગ) તરીકે પ્રસિદ્ધ છે.


દ્રવ્યશ્રુત

અંગપ્રવિષ્ટ

બાર અંગ
૧.આચારાંગ
૨.સૂત્રકૃતાંગ
૩.સ્થાનાંગ
૪.સમવાય અંગ
૫.વ્યાખ્યા પ્રજ્ઞપ્તિઅંગ
૬.જ્ઞાતૃ ધર્મકથાઅંગ
૭.ઉપાસકાધ્યયન અંગ
૮.અંતકૃતદશાંગ અંગ
૯.અનુત્તરોપપાદક અંગ
૧૦.પ્રશ્નવ્યાકરણ અંગ
૧૧.વિપાકસૂત્ર અંગ
૧૨.દ્રષ્ટિવાદ અંગ
 
 

અંગબાહ્યશ્રુત

ચૌદ પ્રકીર્ણક
૧.સામાયિક
૨.ચતુર્વિંશતિસ્તવ
૩.વંદના
૪.પ્રતિક્રમણ
૫.વૈનયિક
૬.કૃતિકર્મ
૭.દશવૈકાલિક
૮.ઉત્તરાધ્યયન
૯.કલ્પવ્યવહાર
૧૦.કલ્પાકલ્પ
૧૧.મહાકલ્પ
૧૨.પુંડરિક
૧૩.મહાપુંડરિક
૧૪.નિષિધ્ધિકા/ નિસિતિકા

બાર અંગ - તેમના વિષય અને પદ સંખ્યા

ક્રમ નામ વિષય પદ સંખ્યા
આચારાંગ તેમાં મુનિશ્વરોના આચારોનું નિરૂપણ છે. ૧૮,૦૦૦
સૂત્રકૃતાંગ જ્ઞાનના વિનય આદિ અથવા ધર્મ ક્રિયામાં સ્વમત-પરમતની ક્રિયાના વિશેષોનું નિરૂપણ છે. ૩૬,૦૦૦
સ્થાનાંગ પદાર્થોના એક આદિસ્થાનોનું નિરૂપણ છે; જેમ કે જીવ સામાન્યરૂપથી એક પ્રકાર, વિશેષરૂપથી બે પ્રકાર, ત્રણ પ્રકાર ઇત્યાદિ એવા સ્થાનો કહ્યા છે. ૪૨,૦૦૦
સમવાય અંગ જીવાદિ છ દ્રવ્યોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિ દ્વારા વર્ણન છે. ૧,૬૪,૦૦૦
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિઅંગ જીવના અસ્તિ-નાસ્તિ આદિ, સાંઈઠ હજાર પ્રશ્ન ગણધરદેવોએ, તીર્થંકરની પાસે કરેલા તેનું વર્ણન છે ૨,૨૮,૦૦૦
જ્ઞાતૃધર્મકથા તીર્થંકરોની ધર્મકથા, જીવાદિ પદાર્થોના સ્વભાવનું અંગ વર્ણન તથા ગણધરના પ્રશ્નોના ઉત્તરનું વર્ણન છે. ૫,૫૬,૦૦૦
ઉપાસકાધ્યયન અંગ અગિયાર પ્રતિમા આદિ શ્રાવકના આચારનું વર્ણન છે ૧૧,૭૦,૦૦૦
અંતકૃતદશાંગ અંગ એક એક તીર્થંકરના કાળમાં દશ-દશ અંતકૃત કેવળી થયા તેનું વર્ણન છે. ૨૩,૨૮,૦૦૦
અનુત્તરોપપાદક અંગ એક એક તીર્થંકરના કાળમાં દશ-દશ મહામુનિ ઘોર ઉપસર્ગ સહન કરીને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા તેનું વર્ણન છે. ૯૨,૪૪,૦૦૦
૧૦ પ્રશ્ન વ્યાકરણ અંગ તેમાં ભુતકાળ અને ભવિષ્યકાળ સંબંધી શુભ-અશુભનો કોઈ પ્રશ્ન કરે, તેના યથાર્થ ઉત્તર કહેવાના ઉપાયનું વર્ણન છે. તથા આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની આ ચાર કથાઓનું પણ આ અંગમાં વર્ણન છે. ૯૩,૧૬,૦૦૦
૧૧ વિપાકસૂત્રાંગ કર્મના ઉદયના તીવ્ર-મંદ અનુભાગનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષા સહિત વર્ણન છે. ૧,૮૪,૦૦,૦૦૦
૧૨ દ્રષ્ટિવાદ અંગ આ અંગમાં ૧૮૦ ક્રિયાવાદ, ૮૪ અક્રિયાવાદ, ૬૭ અજ્ઞાનિકવાદ અને ૩૨ વૈનયિકવાદ એમ મિથ્યાદર્શન સંબંધી ૩૬૩ કુવાદોનું વર્ણન છે, અને તેનું ખંડન કરવામાં પાંચ અધિકાર છે :
(૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વગત (૧૪ પૂર્વે) અને (૫) ચૂલિકા.
૧,૦૮,૬૮,૫૬,૦૦૫
બારેય અંગના કુલ પદ ૧૧૨,૮૩,૫૮,૦૦૫
એકસો બાર કરોડ ત્યાંશી લાખ અઠ્ઠાવન હજાર પાંચ

બારમાં દ્રષ્ટિવાદ અંગના પાંચ અધિકાર

પહેલો અધિકાર : "પરિકર્મ"

પરિકર્મમાં ગણિતના કરણસૂત્ર છે. તેના પાંચ ભેદ છે.

ક્રમ નામ વિષય પદની સંખ્યા
૧. ચંદ્ર પ્રજ્ઞપ્તિ ચંદ્રમાના ગમનાદિક, પરિવાર, વૃદ્ધિ-હાનિ, ગ્રહ આદિનું વર્ણન છે. ૩૬,૦૫,૦૦૦
૨. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂર્યની ઋદ્ધિ, પરિવાર, ગમન આદિનું વર્ણન છે. ૫,૦૩,૦૦૦
૩. જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ જંબુદ્વિપ સંબંધી મેરુગિરિક્ષેત્ર, કુલાચલ આદિનું વર્ણન છે. ૩,૨૫,૦૦૦
૪. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ દ્વિપસાગરનું સ્વરૂપ તથા ત્યાં સ્થિત જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી દેવોના આવાસ તથા ત્યાં સ્થિત જિનમંદિરોના વર્ણન છે. ૫૨,૩૬,૦૦૦
૫. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ જીવ-અજીવ પદાર્થોના પ્રમાણનું વર્ણન છે. ૮૪,૩૬,૦૦૦
પરિકર્મના કુલ પદ : ૧,૮૧,૦૫,૦૦૦
(એક કરોડ એક્યાશી લાખ પાંચ હજાર)

બીજો અધિકાર "સૂત્ર"

તેમાં મિથ્યાદર્શન સંબંધી ત્રણસો ત્રેસઠ કુવાદોનો પૂર્વપક્ષ લઈને તેમને જીવ પદાર્થ પર લગાવવા-આદિનું વર્ણન છે.

તેના પદ અઠ્યાશી લાખ...... (૮૮,૦૦,૦૦૦)

ત્રીજો અધિકાર "પ્રથમાનુયોગ"

તેમાં પ્રથમ જીવને ઉપદેશ યોગ્ય તીર્થંકર, ચક્રવર્તી આદિ ત્રેસઠ શલાકા પુરુષોનું વર્ણન છે.

તેના પદ પાંચ હજાર......... (૫૦૦૦)

ચોથો અધિકાર "પૂર્વગત" તેના ૧૪ ભેદ છે, જે ૧૪ પૂર્વ તરીકે પ્રસિદ્ધ છે.

ક્રમ પૂર્વ વિષય વસ્તુ અધિકાર દરેક અધિકારમાં ૨૦ પાહુડ/ ૨૪ અનુયોગ દ્વાર કુલ પદની સંખ્યા
૧. ઉત્પાદ પૂર્વ એમાં જીવ આદિ વસ્તુઓના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આદિ અનેક ધર્મોની અપેક્ષાએ ભેદવર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૧,૦૦,૦૦,૦૦૦
૨. અગ્રાયણી પૂર્વ તેમાં સાતસો સુનય, દુર્નય અને ષટ્દ્રવ્ય, સપ્તતત્વ, નવ પદાર્થોનું વર્ણન છે. ૧૪ ૨૫૦/૬૭૨૦ ૯૬,૦૦,૦૦૦
૩. વીર્યાનુવાદ પૂર્વ તેમાં છ દ્રવ્યોની શક્તિરૂપ વીર્યનું વર્ણન છે. ૧૬૦/૩૮૪૦ ૭૦,૦૦,૦૦૦
૪. અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વ તેમાં જીવાદિકનું વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ અસ્તિ, પરરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નાસ્તિ, આદિ અનેક ધર્મોમાં વિધિ નિષેધ કરીને સપ્તભંગ દ્વારા કથંચિત વિરોધ મટાડવારૂપ મુખ્ય-ગૌણ કરીને વર્ણન છે. ૧૮ ૩૬૦/૮૬૪૦ ૬૦,૦૦,૦૦૦
૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ તેમાં જ્ઞાનના ભેદોનું સ્વરૂપ, સંખ્યા, વિષય, ફળ આદિનું વર્ણન છે. ૧૨ ૨૪૦/૫૬૭૦ ૯૯,૯૯,૯૯૯
૬. સત્યપ્રવાદ પૂર્વ તેમાં સત્ય-અસત્ય આદિ વચનોની અનેક પ્રકારની પ્રવૃત્તિનું વર્ણન છે. ૧૨ ૨૪૦/૫૭૬૦ ૧,૦૦,૦૦,૦૦૬
૭. આત્મપ્રવાદ પૂર્વ તેમાં આત્મા (જીવ) પદાર્થના કર્તા-ભોક્તા આદિ અનેક ધર્મોનું નિશ્ચય-વ્યવહારનયની અપેક્ષાએ વર્ણન છે. ૧૬ ૩૨૦/૭૬૮૦ ૨૬,૦૦,૦૦,૦૦૦
૮. કર્મપ્રવાદ પૂર્વ તેમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના બંધ, સત્વ, ઉદય, ઉદીરણા આદિનું તથા ક્રિયારૂપ કર્મોનું વર્ણન છે. ૨૦ ૪૦૦/૯૬૦૦ ૧,૮૦,૦૦,૦૦૦
૯. પ્રત્યાખ્યાન પૂર્વ તેમાં પાપના ત્યાગનું અનેક પ્રકારથી વર્ણન છે. ૩૦ ૬૦૦/૧૪૪૦૦ ૮૪,૦૦,૦૦
૧૦. વિધાનુવાદ પૂર્વ તેમાં સાતસો ક્ષુદ્રવિદ્યા અને પાંચસો મહાવિદ્યાઓનું સ્વરૂપ, સાધન, મંત્રાદિક અને સિદ્ધ થયેલ એમના ફળનું વર્ણન છે. તથા અષ્ટાંગ નિમિત્તજ્ઞાનનું વર્ણન છે. ૧૫ ૩૦૦/૭૨૦૦ ૧,૧૦,૦૦,૦૦૦
૧૧. કલ્યાણવાદ પૂર્વ તેમાં તીર્થંકર, ચક્રવર્તી આદિના ગર્ભકલ્યાણકના ઉત્સવ તથા તેનું કારણ ષોડશભાવના આદિ, તપશ્ચરણાદિ તથા ચંદ્રમા, સૂર્યાદિના ગમન વિશેષ આદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૨૬,૦૦,૦૦,૦૦૦
૧૨. પ્રાણવાદ પૂર્વ તેમાં આઠ પ્રકારના વૈદક તથા ભૂતાદિકની વ્યાધિને દૂર કરવાના મંત્રાદિક તથા વિષ દૂર કરવાના ઉપાય અને સ્વરોદય આદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૧૩,૦૦,૦૦,૦૦૦
૧૩. ક્રિયાવિશાલ પૂર્વ તેમાં સંગીતશાસ્ત્ર, છંદ, અલંકારાદિક તથા ચોંસઠ કલા, ગર્ભાધાન આદિ ચોરાશી ક્રિયા, સમ્યગ્દર્શનઆદિ એકસો આઠ ક્રિયા, દેવવંદનાદિ પચ્ચીક્રિયા, નિત્ય-નૈમિત્તિક ક્રિયા ઇત્યાદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૯,૦૦,૦૦,૦૦૦
૧૪. ત્રિલોક પૂર્વ તેમાં ત્રણ લોકનું સ્વરૂપ, બિંદુસાર બીજ ગણિતનું સ્વરૂપ તથા મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના કારણભૂત ક્રિયાનું સ્વરૂપ, ઇત્યાદિનું વર્ણન છે. ૧૦ ૨૦૦/૪૮૦૦ ૧૨,૫૦,૦૦,૦૦૦
કુલ ૧૯૫ ૩૯૦૦/૯૩૬૦૦ ૯૫,૫૦,૦૦,૦૦૫
પંચાણું કરોડ, પચાસ લાખ, પાંચ

પાંચમો અધિકાર "ચૂલિકા" છે. તેના પાંચ ભેદ છે.

ક્રમ નામ વિષય પદની સંખ્યા
૧. જલગતાચૂલિકા જલનું સ્તંભન કરવું, જલમાં ચાલવું, અગ્નિનગતા ચૂલિકામાં અગ્નિસ્તંભન કરવી, અગ્નિમાં પ્રવેશ કરવો, અગ્નિનું ભક્ષણ કરવું, ઇત્યાદિના કારણભૂત મંત્ર-તંત્રાદિકની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
૨. શ્ઉગતાચૂલિકા મેરૂપર્વત, ભુમિ, ઇત્યાદિમાં પ્રવેશ કરવો, શીઘ્રગમન કરવું, ઇત્યાદિ ક્રિયાના કારણરૂપ મંત્ર, તંત્ર,તપશ્ચરણ આદિની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
૩. માયાગતાચૂલિકા તેમાં માયામયી ઇન્દ્રજાલ વિક્રિયાના કારણભૂત મંત્ર, તંત્ર,તપશ્ચરણાદિની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
૪. રૂપગતાચૂલિકા તેમાં સિંહ, હાથી, ઘોડા, બળદ, હરણ ઇત્યાદિ અનેક પ્રકારના રૂપ બનાવી લેવાના કારણભૂત મંત્ર, તંત્ર, તપશ્ચરણાદિની પ્રરૂપણા છે, તથા ચિત્રામ કાષ્ઠલેપ આદિના લક્ષણનું વર્ણન છે. ૨,૦૯,૮૯,૨૦૦
૫. આકાશગતાચૂલિકા તેમાં આકાશમાં ગમન આદિના કારણભૂત મંત્ર, યંત્ર, તંત્રાદિની પ્રરૂપણા છે. ૨,૦૯,૮૯,૨૦૦
ચૂલિકાના કુલ પદ : ૧૦,૪૯,૪૬,૦૦૦

બારમા "દ્રષ્ટિવાદ અંગ"ના દરેક અધિકારના કુલ પદની સંખ્યા :-

પરિકર્મ ૧,૮૧,૦૫,૦૦૦
સૂત્ર ૮૮,૦૦,૦૦૦
પ્રથમાનુયોગ ૫,૦૦૦
પૂર્વગ (૧૪ પૂર્વ) ૯૫,૫૦,૦૦,૦૦૫
ચૂલિકા ૧૦,૪૯,૪૬,૦૦૦
કુલ પદ :- ૧૦૮,૬૮,૫૬,૦૦૫
(એકસો આઠ કરોડ અડસઠ લાખ છપ્પન હજાર પાંચ)

અંગ બાહ્ય શ્રુત

14 પ્રકીર્ણક વિષય
૧.સામાયિક લાભ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ = ૬
૨.ચતુર્વિંશતિસ્તવ ૨૪ ભગવાનનો મહિમા
૩.વંદના એક તીર્થંકરના આશ્રયે વંદના સ્તુતિ
૪.પ્રતિક્રમણ ૭ પ્રકારના પ્રતિક્રમણ: દૈવસિક, રાત્રિક, ઐર્યાપથિક, પાક્ષિક,ચતુર્માસિક, સાંવત્સરિક, ઉત્તમાર્થ
૫.વૈનયિક
  • ૫ પ્રકારના વિનય
  • ૧. લોકાનુવૃત્તિ વિનય
  • ૨. અર્થ નિમિત્તીક વિનય
  • ૩. કામતન્ત્ર વિનય
  • ૪. ભયવિનય
  • ૫. મોક્ષવિનય
૬.કૃતિકર્મ અરિહંતાદિકની વંદનાની ક્રિયા
૭.દશવૈકાલિક મુનિના આચાર; આહારની શુદ્ધતા
૮.ઉત્તરાધ્યયન પરિષહ-ઉપસર્ગ સહન
કરવાનું વિધાન
૯.કલ્પવ્યવહાર મુનિને યોગ્ય આચરણ
અને અયોગ્ય સેવેલાનું પ્રાયશ્ચિત
૧૦.કલ્પાકલ્પ મુનિને યોગ્ય અને અયોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી વર્ણન
૧૧.મહાકલ્પ જિનકલ્પી મુનિને પ્રતિમાયોગ, ત્રિકાલયોગ અને સ્થવિર કલ્પી મુનિની પ્રવૃત્તિ
૧૨.પુંડરિક ચાર પ્રકારના દેવોમાં ઉત્પન્ન થવાનું કારણ
૧૩.મહાપુંડરિક ઇન્દ્રાદિક મહાન ઋદ્ધિધારક દેવમાં ઉત્પન્ન થવાનું કારણ
૧૪.નિષિધ્ધિકા/નિસિતિકા અનેક પ્રકારની શુદ્ધતાના નિમિત્તે પ્રાયશ્ચિતોનું પ્રરૂપણ