શ્રવણબેલગોલા - એક ઐતિહાસિક તીર્થધામ
કર્ણાટક રાજ્યમાં આવેલું શ્રવણબેલગોલા દક્ષિણભારતનું લગભગ ૨૩૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક તીર્થધામ છે અને જૈનધર્મના ગ્રંથો, સંસ્કૃતિ અને સ્થાપત્યનું પ્રસિદ્ધ કેન્દ્ર છે. આ નગરનું શ્રવણબેલગોલા નામ વિંદ્યગિરિ (પહેલાં ઇન્દ્રગિરિ તરીકે ઓળખાતું) અને ચંદ્રગિરિ પહાડોની વચ્ચે આવેલ શ્વેત-તળાવ (કન્નડમાં બિલિ-ગોડ)ના કાંઠે મુનિરાજના ઉપદેશનું શ્રવણ કરવા આવતા શ્રોતાજનોને કારણે પડ્યું છે. વિંદ્યગિરિ પર ૫૭ ફુટ ઉન્નત અખંડ શિલામાંથી નિર્મિત ગોમટ્ટેશ્વર ભગવાન બાહુબલીની સાતિશય પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા ઇ.સ.૯૮૧માં શ્રી ચામુંડરાય દ્વારા પ્રતિષ્ઠિત કરાવવામાં આવી હતી. દર ૧૨ વર્ષે ભગવાન બાહુબલીનો મહામસ્તકાભિષેક થાય છે, જેનો લાખો ભાવિકો લાભ લે છે. વિંદ્યગિરિ પર્વત પર ચડવા માટે ૬૪૭ પગથિયાં છે. પર્વત ઉપર અન્ય નાના-મોટાં ૮ જિનમંદિરો છે.
વિંદ્યગિરિની સામેની બાજુએ ચિક-બેટા (નાનો-પર્વત)- ચંદ્રગિરિ પર્વત આવેલો છે. ચંદ્રગિરિનું નામ ઇ.સ.ની 3જી સદીમાં થયેલ ચંદ્રગુપ્ત મૌર્યના નામ પરથી રાખવામાં આવેલ છે. આ પર્વત પર ચડવા માટે ૧૯૨ પગથિયાં છે. પર્વત ઉપર ઇ.સ.ની ૯મી સદીમાં નિર્માણ પામેલા નાના-મોટાં ૧૮ જિનમંદિરો છે. શ્રી નેમિનાથભગવાન જિનમંદિરમાં નેમિનાથભગવાનના જીવન પર આધારિત સુંદર ભિંતચિત્રો કોતરવામાં આવ્યા છે. ખુલ્લા મેદાનમાં શ્રી ભરતેશમુનિરાજની ભવ્ય પ્રતિમા છે. અહીંથી સામે વિંદ્યગિરિ પર્વતપર બિરાજમાન ભગવાન બાહુબલીના અદ્ભુત દર્શન થાય છે. ચંદ્રગિરિ પર્વતની પ્રાચીનતા ભદ્રબાહુગુફા, ભદ્રબાહુ-ચરણપાદુકા અને ઇ.સ.ના છઠ્ઠા સૈકામાં લખાયેલા શિલાલેખો પરથી સિદ્ધ થાય છે.
જિનમંદિરો અહીં "બસદિ અથવા વસતિ" તરીકે ઓળખાય છે. તળેટીમાં જૈનમઠની આસપાસ પ્રખ્યાત ભંડારા બસદિ, માનસ્થંભ, અક્કાન બસદિ, મંગા બસદિ, સિદ્ધાંત બસદિ, નગર જિનાલય તથા કલ્યાણી મંદિરો આવેલાં છે.
શ્રવણબેલગોલા જૈન સંસ્કૃતિનું ધામ હોવાથી અહીં એક "રાષ્ટ્રિય પ્રાકૃત સંશોધન કેન્દ્ર"ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા લગભગ ૬૦૦૦ જેટલા તાડપત્ર તથા પાંડુલિપિની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી કરે છે. પુસ્તકાલયમાં લગભગ ૨૦૦૦૦ શાસ્ત્રોનો ભંડાર છે. સંસ્થા દ્વારા જૈન દર્શન, ઇતિહાસ, કળા, સાહિત્ય તથા પ્રાકૃત ભાષા વિષયક શિક્ષણ પણ આપવામાં આવે છે. અહીં પ્રાચીન જૈનાગમો-જેવા કે ગોમટ્ટસાર, તિલોયપણ્ણત્તિ, આદિપુરાણ વગેરે પાંડુલિપિમાં ઉપલબ્ધ છે. જૈનમઠ દ્વારા સંચાલિત ધર્મશાળા અને ભોજનશાળાનું એક વિશાળ સંકુલ છે. જેમાં નૂતન "શ્રી કાનજીસ્વામી યાત્રિક નિવાસ"નો પણ સમાવેશ થાય છે. સંકુલની નજીક એક સંગ્રહાલયમાં શ્રી ભરત-બાહુબલીની કથા પર આધારિત ચિત્રો તથા મહામસ્તકાભિષેકમાં વપરાતા મહાકુંભ વગેરેનું સુંદર પ્રદર્શન રાખવામાં આવેલ છે.
વિક્રમ સંવત ૨૦૧૫. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા શ્રવણબેલગોલાની પ્રથમવારની યાત્રા
મહા વદ ૯ની સવારમાં પૂ. ગુરુદેવ હાસનથી શ્રવણબેલગોલા આવી પહોંચ્યા. સ્વાગત બાદ તુરંત પૂ.ગુરુદેવ સંઘસહિત બાહુબલી ભગવાનની યાત્રા માટે વિંદ્યગીરી પર્વત ઉપર પધાર્યા... ખૂબ જ રળિયામણો આ પર્વત લગભગ ૬૦૦ પગથિયા ઊંચો છે, ને પા કલાકમાં ઉપર પહોંચી જવાય છે... ઉપર જઈને ૫૭ ફૂટ ઊંચા બાહુબલીનાથને નીહાળતાં જ ગુરુદેવ આશ્ચર્ય અને ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા... ખૂબ જ ભાવપૂર્વક ફરી ફરીને એ વીતરાગી નાથને નીહાળ્યા... ને એ વીર-વૈરાગી બાહુબલીનાથના દર્શન કરી-કરીને ઘણો આનંદ વ્યક્ત કર્યો. ગુરુદેવની સાથે બાહુબલીનાથની યાત્રા કરતાં બેનશ્રીબેનને પણ ખૂબ જ ઉલ્લાસ અને ભક્તિભાવ જાગતા હતા. પ્રથમ બાહુબલી પ્રભુનું સમૂહપૂજન થયું... ત્યારબાદ પૂ. ગુરુદેવે બાહુબલી ભગવાનની ભક્તિ (ઐસે ઋષભનંદન દેખેં વનમેં.... ઇત્યાદિ) કરાવી. પછી પૂ. બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી.
ત્યારબાદ ગુરુદેવે ફરી ફરીને બાહુબલી ભગવાનનાં દર્શન કર્યા... અને અનેકવિધ ભક્તિભર્યા ઉદગારો કાઢ્યા. પર્વત ઉપર બિરાજમાન બીજા અનેક ભગવંતો, શિલાલેખો વગેરેનાં પણ દર્શન કર્યાં.... આમ ઘણા આનંદ, ઉલ્લાસ અને ભક્તિભાવથી શ્રવણબેલગોલામાં બાહુબલી ભગવાનની યાત્રા કરીને, સંઘસહિત ગુરુદેવ નીચે પધાર્યા.
બાહુબલીનાથની યાત્રા કરાવનાર ગુરુદેવને નમસ્કાર હો.
બપોરે પ્રવચન વખતે પણ ગુરુદેવ બાહુબલી ભગવાનનો મહિમા વર્ણવીને યાત્રાનો હર્ષ વ્યક્ત કરતા હતા. શ્રવણબેલગોલા ગામમાં પણ અનેક જિનમંદિરો છે; રાત્રે ચોવીસ ભગવંતોના મંદિરમાં ભક્તિ થઈ હતી.
ચંદ્રગીરીની યાત્રા
મહા વદ દશમની સવારમાં પૂ. ગુરુદેવ સંઘસહિત શ્રવણબેલગોલાની બીજી પહાડી ચંદ્રગીરીની યાત્રાએ પધાર્યા. આ પહાડી ઉપર લગભગ ૧૪ પ્રાચીન જિનમંદિરો, અતિ મહત્વના પ્રાચીન શિલાલેખો, તેમ જ ભદ્રબાહુસ્વામીની ગુફા છે. આ પર્વત ૫૦૦ મુનિઓનું સમાધિસ્થાન છે. એક મંદિરમાં પાર્શ્વપ્રભુના મોટા પ્રતિમાજી છે. બીજા એક મંદિરમાં-કે જે ચામુંડ રાજાનું બંધાવેલું છે તેમાં-ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના જીવન સંબંધી પ્રાચીન ચિત્રો કોતરેલા છે. પર્વત ઉપર આ મંદિર સૌથી જૂનું છે, અને શ્રીનેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીએ ગોમટ્ટસારની રચના આ મંદિરમાં કરી હતી. મંદિરોના દર્શન બાદ શાંતિનાથ પ્રભુની-કે જે લગભગ ૧૫ ફૂટ ઊંચા છે-તેમની સન્મુખ પૂજન-ભક્તિ થયા હતા. અહીંના અનેક પ્રાચીન શિલાલેખો માં - કે જે કન્નડી લિપિમાં છે, તેમાં-કુંદકુંદાચાર્યદેવનો અતિ આદરપૂર્વક ઉલ્લેખ છે. એક શિલાલેખમાં તેઓશ્રીને "તત્કાલીન અશેષ તત્વોના જ્ઞાતા" કહ્યા છે. આ ઉપરાંત "वंद्यो विभुर्भ्भुवि न कैरिह कौण्डकुन्दः" ઇત્યાદિ જે શિલાલેખ સમયસાર વગેરેમાં છપાયેલા છે તે શિલાલેખ અહીંના પાર્શ્વપ્રભુના મંદિરમાં ડાબા હાથ ઉપર છે. તેનું ઘણા ભાવપૂર્વક ગુરુદેવે અને ભક્તોએ અવલોકન કર્યું હતું. ત્યારબાદ ભદ્રબાહુ સ્વામીની ગુફા જોઈ કે જેમાં ભદ્રબાહુ સ્વામીના પ્રાચીન ચરણકમળ છે. ત્યાં પણ દર્શન કરીને અર્ઘ ચડાવ્યો.
જિનનાથપુરી
ચંદ્રગીરી ધામની યાત્રા બાદ તેની બીજી બાજુ તળેટીમાં આવેલા જિનનાથપુર ગામમાં બે જિનમંદિરોના દર્શન કરવા ગુરુદેવ સંઘસહિત પધાર્યા હતા. તેમાંથી એક મંદિરમાં તે પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે કે જેના ફોટાની સન્મુખ પૂ. ગુરુદેવે સોનગઢમાં પરિવર્તન કર્યું હતું.
બપોરે શ્રવણબેલગોલા ગામના બીજા પાંચ મંદિરોના દર્શન કરવા ગુરુદેવ પધાર્યા હતા... તેમાં અક્કનવસતી અને મંગાવસતી એ બે મંદિરો અક્કા અને મંગી (મોટી બહેન અને નાની બહેન) એ બે બહેનોએ બંધાવેલ છે. અક્કનવસતી-મંદિરમાં કસોટીના સ્તંભ ઉપર સુંદર પ્રાચીન કામગીરી છે; તે જોતાં જૈનધર્મના પ્રાચીન વૈભવનો ખ્યાલ આવે છે.
રાત્રે ભટ્ટારકજીના મંદિરમાં વિવિધ પ્રકારના જિનબિંબોના દર્શન કર્યા હતા.
બાહુબલી પ્રભુની બીજી યાત્રા અને અભિષેક
મહા વદ ૧૧ના રોજ ફરીને વિંદ્યગીરી ઉપર બિરાજમાન બાહુબલી ભગવાનની યાત્રા અર્થે ગુરુદેવ સંઘસહિત પધાર્યા. ગુરુદેવે ભાવપૂર્વક બાહુબલી પ્રભુના ચરણોનો અભિષેક કર્યો. યાત્રિકોએ પણ ભક્તિપૂર્વક અભિષેક કર્યો. આ અભિષેક સંબંધી ઉછામણીમાં તેમજ રથયાત્રા સંબંધી ઉછામણીમાં લગભગ દસેક હજાર રૂ. થયા હતા. આ રૂ. નો ઉપયોગ અહીંની યાત્રાની યાદગીરીમાં કરવામાં આવશે. અભિષેક બાદ ગુરુદેવે ચારે બાજુથી ફરી ફરીને બાહુબલીનાથને નયનભર નીરખ્યા... नीरखत तृप्ति न थाये... બસ, જાણે ભગવાનને નીરખ્યા જ કરીએ ! - પછી ખૂબ ભક્તિ કરી... આમ બાહુબલી ભગવાનની બીજી યાત્રા અને અભિષેક કરીને ગુરુદેવ સાથે આનંદથી ભક્તિ કરતાં કરતાં ભક્તો નીચે આવ્યા... બાહુબલી ભગવાનની આ બીજી યાત્રાથી ભક્તોને ઘણો આનંદ થયો હતો. બપોરે પ્રવચનમાં ભેદજ્ઞાનના નિમિત્તોની દુર્લભતાનું વર્ણન આવતાં ગુરુદેવે કહ્યું : 'જુઓ, આ નિરાવરણ શાંત વીતરાગી બાહુબલી ભગવાન આ દુનિયામાં અજોડ છે, તે ભેદજ્ઞાનનું નિમિત્ત છે; ચૈતન્યશક્તિને ખુલ્લી કરીને ઊભેલા આ બાહુબલી ભગવાન સાક્ષાત્ ચૈતન્યને દેખાડે છે. વ્યાખ્યાન પછી દક્ષિણીબહેનોએ રાસપૂર્વક ભક્તિ કરી હતી.
ફોક્સ્સ લાઈટમાં બાહુબલી દર્શન (ત્રીજી યાત્રા)
સાંજે થોડાં ભક્તો સહિત પૂ. ગુરુદેવ ફોક્સ લાઈટના પ્રકાશમાં બાહુબલી ભગવાનના દર્શન કરવા માટે ફરી વિંદ્યગિરિ ઉપર પધાર્યા. ગુરુદેવે ઘણા ભાવથી... ઘણી લગનથી... ભક્તિભીના ચિત્તે દર્શન કર્યા. શાંત વાતાવરણમાં ઝગઝગતી રહેલી એ વીર વીતરાગી સંતની મુદ્રા નીહાળતાં સૌને ઘણો આનંદ થયો. અને- પ્યારા બાહુબલીદેવ.... જિનને વંદુ વાર હજાર....... નાથને વંદુ વાર હજાર..... એ ભક્તિ પૂ.બેનશ્રીબેને ઘણી હોંશથી કરાવી.
એ રીતે ઉલ્લાસભરી ભક્તિપૂર્વક બાહુબલીનાથના દર્શન કરીને નીચે આવતાં શ્રવણબેલગોલાની જનતાએ અતિ ઉમળકાપૂર્વક ગુરુદેવને ગામમાં ફેરવીને સ્વાગત કર્યું... ગુરુદેવનું આવું ભાવભીનું સ્વાગત દેખીને ભક્તોને ઘણો હર્ષ થયો. લોકો કહેતા : જૈસે બાહુબલી ભગવાનકો દેખકર આપકો અતિશય આનંદ હુઆ, વૈસે હી હમકો કાનજીસ્વામીકો દેખકર અતિશય આનંદ હુઆ. આમ અતિશય આનંદ અને ભક્તિપૂર્વક બાહુબલી ભગવાનની યાત્રા થઈ.
વિક્રમ સંવત ૨૦૨૦. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા
શ્રવણબેલગોલાની બીજીવારની યાત્રા
મહા સુદ છઠ્ઠ શ્રવણબેલગોલા પહોંચ્યા. લગભગ પંદર માઈલ દુરથી યાત્રિકને શ્રવણબેલગોલાના પહાડ ઉપર બિરાજમાન બાહુબલીનાથના શિરોભાગના દર્શન થાય છે. રાત્રે જિનમંદિરમાં ચોવીસ ભગવંતો સન્મુખ ભક્તિ થઈ.
મહા સુદ સાતમની સવારમાં ગુરુદેવ સહિત ભક્તો યાત્રા માટે વિંદ્યગિરિ પહાડ પાસે પહોંચ્યા... પંદર-વીસ મિનિટમાં પહાડ ઉપર પહોંચીને જ્યાં બાહુબલીનાથને નીહાળ્યા...... ત્યાં હર્ષાનંદથી સૌ સ્તબ્ધ બની ગયા.... આ વીતરાગીઢીમના દર્શને શાંતિની ને હર્ષની એટલી બધી ઊર્મિઓ જાગે છે કે ક્ષણભર તો વાણી તેને વ્યક્ત કરી શકતી નથી. ગુરુદેવ પણ સ્તબ્ધનયને ફરી ફરી એ પાવનમુદ્રાને અવલોકી રહ્યા.
ત્યારબાદ બાહુબલીભગવાનની બે પૂજા થઈ અને ગુરુદેવે તેમ જ બેનશ્રીબેને ભક્તિ કરાવી. એ રીતે આનંદપૂર્વક યાત્રા કરીને નીચે આવ્યા, ત્યાં દક્ષિણદેશની જનતાએ ઉમંગપૂર્વક ગુરુદેવને ગામમાં ફેરવીને સ્વાગત કર્યું. સ્વાગત પૂરું થતાં કન્નડ બાલિકાઓએ દીપક ને પુષ્પ વગેરેથી ગુરુદેવનું સન્માન કર્યું, તેમ જ કન્નડ ભાષામાં સ્વાગત-ગીત ગાયું. પાંચ વર્ષ પહેલાની યાત્રા વખતે બાહુબલીપ્રભુના અભિષેકની ઉછામણીમાં જે દશહજાર રૂ. જેટલી રકમ થયેલી તેમાંથી અહીં ચાર રૂમનું એક મકાન બંધાયું છે, જેનું નામ "શ્રી કાનજીસ્વામી યાત્રિકાશ્રમ" છે. ગુરુદેવનો ઉતારો તેમાં જ હતો. ગુરુદેવની પધરામણી વખતે તેનું ઉદ્ઘાટન થયું હતું. બપોરના પ્રવચનમાં ગુરુદેવે બાહુબલીભગવાનની જીવનદશાનું અદ્ભુત ભાવભીનું વર્ણન કર્યું. રાત્રે ફરીને પર્વત ઉપર જઈને સૌએ ફોક્સ લાઈટના પ્રકાશમાં બાહુબલીનાથની પાવનમુદ્રાના દર્શન કર્યા... અહા, ફરીફરીને દર્શન કરતાં અવનવા ભાવો જાગે છે. ગુરુદેવને પણ ખૂબ જ પ્રસન્નતા થતી હતી. અગાશીમાં બાહુબલીસ્વામીની મુદ્રા સામે મીટ માંડીને ગુરુદેવે ભાવભીના ચિત્તે અતીવ પ્રસન્નતાથી કહ્યું : વાહ ! એમના મુખ ઉપર જુઓને ! કેવા અલૌકિક ભાવ તરવરે છે ! પુણ્યનો અતિશય, ને પવિત્રતા પણ અલૌકિક... બંને દેખાઈ આવે છે. જ્ઞાન અંતરમાં એવું લીન થયું છે કે બહાર આવવાનો અવકાશ નથી. વીતરાગભાવમાં જ્ઞાન લીન થયું છે. મુખ ઉપર અનંત આશ્ચર્યવાળી વીતરાગતા છે; જાણે ચૈતન્યની શીતળતાનો બરફ !! અત્યારે દુનિયામાં એનો જોટો નથી. - આવા આવા અનેક ઉદ્ગારો ગુરુદેવે કાઢ્યા. બાહુબલીનાથના દર્શનની ઊર્મિઓ વાણીમાં કઈ રીતે વ્યક્ત કરવી એ જાણે સૂઝતું ન હતું. પછી બાહુબલીપ્રભુની ઘણી ઘણી ભક્તિ થઈ. પૂ.બેનશ્રીબેને પણ અનેરા ઉમંગથી ભક્તિરસ રેલાવ્યો. ગુરુદેવ સાથે ફરીફરીને આ બાહુબલીનાથની યાત્રા કરતાં તેઓશ્રીને અને સમસ્ત યાત્રિકોને અપાર હર્ષોલ્લાસ થતો હતો. બાહુબલીદર્શનમાં ગુરુદેવનો આજનો પ્રમોદ કોઈ અનેરો હતો. આમ બહુ જ આનંદથી બાહુબલીનાથને નીહાળીને, ભક્તિ કરીને તથા બીજી યાત્રા પૂરી કરીને સૌ નીચે આવ્યા.... અને બાહુબલીનાથના વૈરાગ્યજીવનની કથા સાંભળીને સૌ સૂઈ ગયા.
બીજા દિવસની સવારમાં ફરીને એ બાહુબલીનાથને ભેટવા ને એમના ચરણોનો અભિષેક કરવા સૌ યાત્રિકો ગુરુદેવ સાથે પહાડ પર પહોંચી ગયા. પૂજન બાદ મહાન ભક્તિથી ચરણાભિષેક થયો.
કહાનગુરુએ સુવર્ણકળશ વડે અભિષેકનો પ્રારંભ કર્યો ત્યારે બેહદ હર્ષથી યાત્રિકો નાચી ઊઠ્યા હતા. અભિષેક બાદ ગુરુદેવે ભક્તિ કરાવી હતી. "જંગલ વસાવ્યું રે સંતોએ..." એ ગીત વૈરાગ્યભાવથી ગવડાવ્યું હતું. ત્યારબાદ "વિંદ્યગીરી પર બાહુબલીનાથજી ભલે બિરાજો જી..." ઇત્યાદિ ભજન વડે પૂ.બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી. આજની આનંદકારી યાત્રાના સ્મરણમાં હસ્તાક્ષર આપતાં બાહુબલીસ્વામીની સન્મુખ બેઠાં બેઠાં ગુરુદેવે લખ્યું છે કે - "શ્રી બાહુબલીભગવાનનો જય હો... આનંદામૃતનો જય હો."
આમ ફરી ફરીને બાહુબલીનાથને ભેટીને, નીરખીને, અભિસીંચીને તથા સ્પર્શીને યાત્રા પૂર્ણ કરી મંગલ ગીત ગાતાં ગાતાં સૌ નીચે આવ્યા. અનેક યાત્રિકો સામેની છોટી પહાડી-ચંદ્રગિરિ પર યાત્રા કરવા ગયા. ત્યાં અનેક પ્રાચીન મંદિરો જોયા, કુંદકુંદચાર્ય વગેરે સંબંધી શિલાલેખો જોયા અને ભદ્રબાહુસ્વામીની ગુફામાં એમના સવા ફૂટ લાંબા ચરણો પણ જોયા... દરેક ઠેકાણે દર્શન-પૂજન-ભક્તિ કર્યા. બપોરે ભટ્ટારકજીના મંદિરમાં જિનબિંબદર્શન કર્યા, બાહુબલીસ્વામીના જીવનચિત્રો જોયા પછી પ્રવચનમાં ગુરુદેવે બાહુબલીભગવાનનો ઘણો ઘણો મહિમા કર્યો.
વિક્રમ સંવત ૨૦૩૧. પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા શ્રવણબેલગોલાની ત્રીજીવારની યાત્રા
બેંગલોર શહેરમાં ચૈત્ર સુદ ૧૩ના મંગલ દિવસે ધામધુમથી મહાવીરભગવાનનો જન્મોત્સવ ઉજવાયો, તથા મનોહર જિનમંદિરમાં અને સમવસરણ મંદિરમાં જિનેન્દ્રભગવંતોની મંગલ પ્રતિષ્ઠા થઈ. હિંદી-ગુજરાતી ભાષા સમજવાની મુશ્કેલી છતાં દક્ષિણપ્રાંતના જિજ્ઞાસુઓએ ઘણા જ પ્રેમથી ઉત્સવમાં ભાગ લીધો, ને પ્રભુના પંચકલ્યાણક દેખીને મુગ્ધ બન્યા.
ત્યારબાદ સંઘસહિત ગુરુદેવે શ્રવણબેલગોલામાં ધ્યાનસ્થ બાહુબલી ભગવાનની યાત્રા કરી. અહો, વીતરાગ ધ્યાનમાં સ્થિત મુનિરાજ ! જાણે ભક્તોના શિર પર હાથ ફેલાવીને મંગલ આશીર્વાદ દઈ રહ્યા છે. મુનિરાજની અડગ આત્મસાધના દેખીને મુમુક્ષુને પણ આત્માને સાધવાની પ્રેરણા જાગે છે. અહો પ્રભો ! હજાર વર્ષથી કરોડો ભવ્યજીવોએ આપની પરમ શાંત વૈરાગ્યમુદ્રા દેખીને વીતરાગતાની તથા મોક્ષમાર્ગની પ્રેરણા મેળવી છે. આપ વિશ્વની વીતરાગી અજાયબી છો.
સાધક દશા કેવી અદ્ભુત હોય છે ! - તે જોવું હોય તો જોઈ લ્યો બાહુબલીને.
સાધક સંસારથી કેવો અલિપ્ત હોય છે ! તે જોવું હોય તો જોઈ લ્યો બાહુબલીને.
ચૈતન્યપદમાં કેવી શાંતિ ભરી છે ! તે જોવું હોય તો જોઈ લ્યો બાહુબલીને.
સાધકો કેવા શૂરવીર હોય છે ! - તે જોવું હોય તો જોઈ લ્યો બાહુબલીને.
ધન્ય બાહુબલી આતમહિતમેં છોડ દિયા પરિવાર... કિ તુમને છોડા સબ સંસાર.
ધન છોડ વૈભવ સબ છોડા જાના જગત અસાર... કિ તુમને જાના જગત અસાર.