ભગવાન મહાવીર પછી થયેલા ત્રણ કેવળી ભગવંતોનો પરિચય આપતાં "તિલ્લોયપણ્ણતિ" ગ્રંથમાં લખ્યું છે :
जादो सिद्धो वीरो तद्दिविसे गोदमो परमणाणी ।
जादो तिरंस सिद्धे सुधम्मसामी तदो जादो ।।
तम्मि कदकम्मणासे जंलुसामि त्ति केवली जादो ।
तत्थ वि सिद्धि पव्वण्णे केवलिणो णत्थि अणुबद्धा ।।
वासठ्ठी वासाणिं गोदमपहुदीण णाण वंताणं ।
घम्मपयट्टणकाले परिमाणं पिंडरूवेणं ।।
જે દિવસે તીર્થંકર મહાવીર નિર્વાણ પામ્યા તે જ દિવસે તેમના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધર કેવળજ્ઞાની થયા. ગૌતમસ્વામી મુક્ત થયા તે જ દિવસે સુધર્મસ્વામી કેવળી થયા અને તેઓ મુક્ત થયા તે જ દિવસે જંબુસ્વામી કેવળજ્ઞાની થયા. જંબુસ્વામી મુક્ત થયા બાદ કોઈ અનુબદ્ધ કેવળી નથી થયા. આ ત્રણેય કેવળી ભગવંતોનો ધર્મ પ્રવર્તનનો સામુહિક કુલ સમય ૬૨ વર્ષ છે.
(તિલ્લોયપણ્ણતિ, ૪/ગા. ૧૪૭૬-૧૪૭૭-૧૪૭૮)
(1) શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ
સમય : (ઇ.સ.પૂર્વે ૬૦૭-૫૧૫ પૂર્વ.... વિક્રમ સંવત પૂર્વે ૫૫૦-૪૫૮ પૂર્વ.)
ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરે ભગવાન મહાવીરના ઉપદેશોને શ્રૃંખલાબદ્ધ, વ્યવસ્થિત અને વર્ગીકૃતરૂપમાં સંકલિત કરી તેમની વાણીને સ્થાયિત્વ આપ્યું.
ઇન્દ્રભૂતિ ગૌતમ
ભરતક્ષેત્રના મગધદેશના ગોબ્બર નામના નગરમાં એક શાંડિલ્ય નામના ધનિક ગુણવાન બ્રાહ્મણ હતો, તેની સ્થંડિલા નામની ગુણવાન પત્ની હતી
સ્વર્ગમાં જે મોટો દેવ હતો (રાણીનો જીવ), તે તેમનો ગૌતમ નામનો પુત્ર થયો. બીજો દેવ ગાર્ગ્ય (અગ્નિભૂતિ) નામનો પુત્ર થયો, અને ત્રીજો દેવ એ જ બ્રાહ્મણની બીજી પત્નીથી ભાર્ગવ (વાયુભૂતિ) નામનો પુત્ર થયો. ત્રણે ભાઈઓમાં પરસ્પર અત્યંત પ્રેમ હતો. ત્રણે ભાઈઓએ બ્રાહ્મણોની બધી જ વિદ્યાઓ શીખી લીધી અને વેદ-વેદાંતમાં પારંગત બન્યા.
ઇન્દ્રભૂતિ ગૌતમનો જન્મ મગધદેશના ગોબ્બર નામના ગામમાં થયો હતો. તેમની માતાનું નામ પૃથ્વી અને પિતાનું નામ વસુભૂતિ હતું. તેમનું ગોત્ર ગોતમ હતું. ગૌતમ શબ્દ કુલ તેમજ વંશનું વાચક છે. વસુભૂતિ, બ્રાહ્મણ ધર્મના ઉપાસક અને વેદવિદ્યામાં પારંગત હતા.
ઇન્દ્રિયભૂતિનો જન્મ વિક્રમ સંવત પૂર્વે ૫૫૦ ની સાલમાં થયો. તેમને બે ભાઈઓ હતા : અગ્નિભૂતિ અને વાયુભૂતિ.
ઇન્દ્રભૂતિ ગૌતમનું વ્યક્તિત્વ વિરાટ અને પ્રભાવશાળી હતું. ૫૦૦ છાત્રો તેમની પાસે અધ્યયન કરતા હતા.
મગધમાં આર્ય સૌમિલ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ, બ્રાહ્મણવર્ગનું નેતૃત્વ કરતો હતો. તે પૂર્વ ભારતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત હતો. તેણે એક વિરાટયજ્ઞનું આયોજન કર્યું. તેમાં પૂર્વ ભારતના દિગ્ગજ વિદ્વાનોને તેમના શિષ્ય પરિવાર સાથે આવવાનું આમંત્રણ આપ્યું. - સાધારણ જનતાને વૈદિક વિચારો તરફ ધ્યાન ખેંચવા માટે આ યજ્ઞનું આયોજન કરેલું. આ મહાયજ્ઞનું નેતૃત્વ મગધના પ્રસિદ્ધ વિદ્વાન તેમજ પ્રકાંડ તર્કશાસ્ત્રી ઇન્દ્રભૂતિ ગૌતમના હાથમાં હતું. આ અનુષ્ઠાનમાં અગ્નિભૂતિ, વાયુભૂતિ સહિત અગિયાર મહાપંડિતો ઉપસ્થિત હતા. મગધ જનપદના હજારો નાગરિકો દૂરદૂરથી આ યજ્ઞના દર્શન કરવા આવેલા.
તે જ વખતે રાજગૃહીની નજીક વિપુલાચલ પર્વત પર તીર્થંકર મહાવીર પ્રભુની દેશના સાંભળવા આકાશ માર્ગે અસંખ્ય દેવો, વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ કરતા કરતા ત્યાંથી જઈ રહ્યા હતા.
અહીં યજ્ઞમંડપમાં સ્થિત ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાનો આ દેવોના સમુદાયને જોઈ રોમાંચિત થઈ કહેવા લાગ્યા : "યજ્ઞ-મહિમાથી પ્રભાવિત થઈ આહુતિ ગ્રહણ કરવા માટે આ દેવોનું વૃંદ આવી રહ્યું છે" ... દેવોના વિમાનો તો આ યજ્ઞમંડપની ઉપરથી આગળ જતા રહ્યા. .. બધાની આંખો નીચી થઈ ગઈ, નિરાશ થઈ ગયા અને આશ્ચર્યથી વિચારવા લાગ્યે કે અરે ! આ દેવોનો સમુદાય પણ કોઈકની માયામાં ફસાયો લાગે છે ! યજ્ઞમંડપ છોડીને ક્યાં જઈ રહ્યા છે ? ઇન્દ્રભૂતિએ તો દેવોને પ્રભાવિત કરવા બુલંદ અવાજથી વેદમંત્રોનું પઠન શરૂ કર્યું. - છતાં દેવોના વિમાન તો આગળ નીકળી ગયા. ઇન્દ્રભૂતિના અહંકાર પર ઘા વાગ્યો. જ્યારે ઇન્દ્રભૂતિએ જાણ્યું કે આ દેવ-વિમાનો તો મહાવીર પ્રભુની સમવસરણ-સભામાં જઈ રહ્યા છે, ત્યારે એનું મન ઉદાસ થઈ ગયું.
તે જ સમયે, સૌધર્મ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ બનાવીને ઇન્દ્રભૂતિ પાસે આવ્યા અને કહ્યું :
ગુરુવર ! આપની વિદ્વતાની યશોગાથા દેશભરમાં ફેલાયેલી છે. વેદ અને ઉપનિષદનું જ્ઞાન આપની ચેતનાના કણ-કણમાં છવાયેલું છે. આપ તો દર્શન, ન્યાય, તર્ક, જ્યોતિષ અને આયુર્વેદના મર્મજ્ઞ વિદ્વાન છો. મને એક ગાથાનો અર્થ સમજાતો નથી, તેથી તેનો અર્થ જાણવા માટે આપની સેવામાં ઉપસ્થિત થયો છું. આપની આજ્ઞા હોય, તો એ ગાથાને હું રજુ કરૂં.
ઇન્દ્રભૂતિ ગૌતમ, આ બટુકરૂપ ધારી બ્રાહ્મણનો વિનય જોઈ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે એને જાણવાની જિજ્ઞાસા છે, તે નમ્ર અને અનુશાસિત છે, તેથી તેની જિજ્ઞાસા પૂર્ણ કરવી મારૂ કર્તવ્ય છે.
બ્રાહ્મણ રૂપધારી ઇન્દ્રએ નમ્રતાપૂર્વક કહ્યું :-
ત્રૈકાલ્યં દ્રવ્યષટ્કં નવપદસહિતં જીવ ષટ્કાય લેશ્યાઃ।
પંચાન્યે ચાસ્તિકાયાઃ વ્રત સમિતિ ગતિ જ્ઞાન-ચારિત્ર ભેદાઃ।।
ઇત્યેતન્મોક્ષમૂલં ત્રિભુવન મહિતેઃ પ્રોકત મર્હદભિરીશૈઃ।।
પ્રત્યેતિ શ્રદ્ધાતિ સ્પૃશતિ ચ મતિમાન યઃ ચ વૈ શુદ્ધ દ્રષ્ટિઃ।।
ઇન્દ્રભૂતિએ કહ્યું : જો હું આ ગાથાનો અર્થ સમજાવું તો તારે મારા શિષ્ય બનવું પડશે, આ મારી શરત છે.
બ્રાહ્મણે હા પાડી.
ઇન્દ્રભૂતિ ઘણા સમય સુધી આ ગાથાનો અર્થ વિચારતા રહ્યા. પણ તેને કાંઈ સમજ નહીં પડી. તેથી તેણે તે બ્રાહ્મણને પૂછ્યું :
"તેં આ ગાથા ક્યાંથી શીખી છે ? આ ગાથા કયા ગ્રંથમાં છે ?" બ્રાહ્મણે કહ્યું : "મેં આ ગાથા મારા ગુરુ તીર્થંકર મહાવીર પાસેથી શીખી છે. પણ તેમણે કેટલાય દિવસોથી મૌનવ્રત ધારણ કરેલું છે. તેથી તેનો અર્થ તેમની પાસેથી મને જાણવા નથી મળ્યો. આપની પ્રતિષ્ઠા વર્ષોથી સાંભળેલી છે, તેથી હું આ ગાથાનો અર્થ જાણવા આપની પાસે આવ્યો છું."
ઇન્દ્રભૂતિ ગૌતમને ખબર ન પડી કે આ પંચાસ્તિકાય શું છે ? છ જીવનિકાય ક્યા છે ? પાંચ સમિતિ, પાંચ વ્રત, પાંચ જ્ઞાન કયા છે ? આ તો મેં સાંભળ્યું જ નથી. ઇન્દ્રભૂતિને તો જીવના અસ્તિત્વ સંબંધી જ શંકા હતી. તેથી તેઓ દ્વિઘામાં પડી ગયા. આ સાધારણ બ્રાહ્મણ પાસે પોતાનું માન જવાનો પ્રસંગ આવ્યો. તેમણે કહ્યું : "ચાલો ! તમારા ગુરુની હાજરીમાં જ આ ગાથાનો અર્થ બતાવીશ. હું મારી વિદ્વતાનો પ્રભાવ તારા ગુરુને બતાવવા માગું છું.
ઇન્દ્રભુતિ ગૌતમની આ વાત સાંભળી બ્રાહ્મણ તો મનમાં પ્રસન્ન થયો અને વિચારવા લાગ્યો કે : મારે તો આ જ જોઈતું હતું, મારું કાર્ય તો પૂરું થઈ ગયું. હવે તીર્થંકર મહાવીરના સમવસરણમાં પહોંચતા જ તેમનું અભિમાન ઓગળી જશે અને શંકાઓનું સમાધાન સ્વયં થઈ જશે."
ઇન્દ્રભૂતિ સમવસરણ તરફ ચાલ્યા. જે તત્વ પોતાને નથી સમજાતું, તેને સમજવાની ઊંડી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તેના અંતરમાં હવે હારજીતની મુખ્યતા નથી, પોતાના જ્ઞાનમાં સમાધાન કરવાની ધગશ છે - આમ તેમના અજ્ઞાનનો અંત આવવાની તૈયારી થઈ. તેમની જ્ઞાનપ્રાપ્તિની કાળલબ્ધિ પાકી ગઈ હતી.
જ્યાં માનસ્તંભની પાસે આવ્યા ને પ્રભુનો વૈભવ જોયો, ત્યાં તો તેમને પોતાના મિથ્યાજ્ઞાનનું અભિમાન ઓગળી ગયું. તેમનું અભિમાની મન હવે નમ્રતાથી દ્રવીભૂત થઈ ગયું... ગંધકુટીમાં બિરાજમાન તીર્થંકર મહાવીર પ્રભુની મંગલ મુદ્રાના દર્શન થતાં જ તેમના પ્રત્યે પરમ બહુમાનનો ભાવ ઉત્પન્ન થયો.. કેવી શાંત વીતરાગ મુદ્રા છે ! એમના આત્માની દિવ્યતાની શું વાત ! જરૂર આ સર્વજ્ઞ છે... તેમના અંતરમાં જીવના અસ્તિત્વ સંબંધી સૂક્ષ્મ શંકાઓ દૂર થઈ ગઈ. મહાવીર પ્રભુના કેવળજ્ઞાનરૂપી પ્રકાશમા તેમના મિથ્યાત્વનો નાશ થયો, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું.
તેમણે તનથી અને મનથી નિગ્રંથ બનવાનો સંકલ્પ કર્યો. ઇન્દ્રભૂતિ ગૌતમે પ્રભુના પાદમૂળમાં નમ્રિત થઈ સંયમ ધારણ કર્યો, દિગંબરી દિક્ષા ગ્રહણ કરી. ઇન્દ્રરાજ હર્ષપૂર્વક તેમને મુનિવરોની સભા તરફ દોરી ગયા. જ્યાં તેઓ મહાવીર પ્રભુને નમસ્કાર કરી તેમના સ્થાને બેઠા કે તરત જ મહાવીર પ્રભુના સર્વાંગેથી "ઓમ્".. ૐ... દિવ્ય ધ્વનિ છૂટવા લાગ્યો...
આ આશ્ચર્યકારી દિવ્ય ધ્વનિ સાંભળતા સમવસરણમાં બેઠેલા બધા જ જીવો આનંદમાં તરબોળ થયા... ચેતન્ય તત્વનું અચિંત્ય સ્વરૂપ સાંભળતા ઘણા જીવોને તે જ ક્ષણે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ, પવિત્ર સમ્યગ્દર્શન પામ્યા...
ઇન્દ્રભૂતિ ગૌતમ રત્નત્રય સંયુક્ત મુનિવરોના નાયક બન્યા... તેમને મનઃપર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ હવે ચાર જ્ઞાનનાં ધણી તીર્થંકર મહાવીરની સભાના મુખ્ય ગણધર થયા. તેઓ બાર અંગના જાણનારા શ્રૂતકેવળી થયા. તેમને અનેક મહાન લબ્ધિઓ પ્રગટ થઈ.
ગૌતમ ગણધરે ભગવાન મહાવીરના ઉપદેશોને શ્રૃંખલાબદ્ધ, વ્યવસ્થિત અને વર્ગીકૃતરૂપમાં સંકલિત કરી, તેમની વાણીને સ્થાયીત્વ આપ્યું. તેમણે બાર અંગની રચના ક્રમથી અંતર્મુહર્તમાં કરી.
એ પવિત્ર દિવસ હતો (ગુજરાતી) અષાડ વદ એકમ (અને શાસ્ત્રીય શ્રાવણ વદ એકમ) ધર્મતીર્થની ઉત્પત્તિ તે દિવસે થઈ. વૈશાખ સુદ દશમના દિવસે મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયેલું અને ત્યાર બાદ ૬૬ મા દિવસે તેમની દિવ્ય-દેશના શરૂ થઈ.
ઇન્દ્રભૂતિ ગૌતમનું આવું અદભૂત પરિવર્તન જોઈને, સૌધર્મઇન્દ્રે બ્રાહ્મણનું રૂપ છોડીને, પોતાનું અસલી ઇન્દ્રનું રૂપ ધારણ કરી ગૌતમ ગણધરના ચરણોમાં વંદના કરી.
શ્રી વીરસેનઆચાર્યદેવે, કેવળજ્ઞાનની ઉત્પત્તિના ૬૬ દિવસ સુધી દેશના પ્રગટ નહીં થવાના કારણની ચર્ચા કરતા લખ્યું છે : "સૌધર્મ ઇન્દ્ર પણ કાળલબ્ધિના અભાવે, તત્કાળ ગણધરની તપાસ કરી શક્યા નહીં. કાળલબ્ધિ સંબંધી પ્રશ્ન કરી શકાય નહીં. કેમ કે તે સ્વભાવ છે, અને સ્વભાવમાં તર્કનો પ્રવેશ નથી."
આમ ઇન્દ્રભૂતિ ગૌતમ ૫૦ વર્ષની ઉંમરે મોક્ષમાર્ગના પથિક બન્યા. તેઓ તત્વજ્ઞાની, વિશિષ્ટ સાધક, વિરલ અધ્યાત્મયોગી, તપસ્વી તેમ જ ભવ્યજીવોના કલ્યાણની ઉગ્ર ભાવનાવાળા ગણધર હતા.
ઇન્દ્રભૂતિ ગૌતમના દિગંબર-દિક્ષા ગ્રહણ કરવાના સમાચાર મગધ દેશમાં ચારે બાજુ વીજળીના વેગથી ફેલાઈ ગયા. શિષ્ય પરિવાર સહિત તેમની દિક્ષાના સમાચાર સાંભળી અગ્નિભૂતિ, વાયુભૂતિ આદિ બધા જ વિદ્વાનોને આશ્ચર્ય થયું. તે બધા તેમના શિષ્યો સાથે અહીં વિપુલાચલ પર આવ્યા... અહીં આવતા જ તે સૌનું હૃદય-પરિવર્તન થયું અને તીર્થંકર મહાવીરના ચરણમાં દિગંબરી દિક્ષા ગ્રહણ કરી વીરપ્રભુની સભામાં અગ્નિભૂત બીજા નંબરના ગણધર અને વાયુભૂતિ ત્રીજા નંબરના ગણધર બન્યા.
તીર્થંકર મહાવીર ભગવાને ૩૦ વર્ષ સુધી દિવ્યદેશના દ્વારા લાખો જીવોને પરમ શાંત ચૈતન્યરસનું પાન કરાવ્યું. હજુ પંચમકાળ શરૂ થવાને ૩ વર્ષ ૮ માસ અને ૧૫ દિવસ બાકી હતા, ત્યારે પ્રભુ મહાવીરનો વિહાર બંધ થયો. - વાણીનો યોગ પણ મોક્ષગમનના બે દિવસ અગાઉ બંધ થયો.
ગૌતમ વગેરે મુનિવરો પોતાના ધ્યાનમાં વધુને વધુ એકાગ્ર થયા. આસો વદ ચૌદશની રાતે, અમાસની સવાર ઊગે તે પહેલા, વીર પ્રભુ ૧૩ મું ગુણસ્થાન ઓળંગી ચૌદમાં અયોગી કેવળીના ગુણસ્થાને બિરાજ્યા અને ક્ષણમાં પાવાપુરીથી લોકના અગ્રભાગે સિદ્ધાલયમાં પધાર્યા.
- ગૌતમ સ્વામી વિચારે છે - ૩૦-૩૦ વર્ષ સુધી હું જેમની સાથે રહ્યો એવા મારા વીર પ્રભુ નિર્વાણ પામ્યા અને હું હજુ છદ્મસ્થ રહ્યો. મારી સાધના આજે જ પૂરી કરું - એમ આરાધનામાં ઉત્કૃષ્ટપણે પોતાના આત્માને જોડી ચૈતન્યની અનુભૂતિમાં ઊંડા ઊતરી ગયા. તે જ દિવસે ઇન્દ્રભૂતિ ગૌતમે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ હવે અરિહંત, કેવળી અને સર્વજ્ઞ થયા. તે જ દિવસે તેમના શિષ્ય સુધર્માસ્વામી શ્રૂતકેવળી બન્યા.
ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીએ બાર વર્ષ સુધી કેવળી તરીકે સંઘનું સંચાલન કર્યું. તેમના નિમિત્તે અનેક જીવોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તેમનો નિર્વાણ વીર સંવત ૧૨ માં ૯૨ વર્ષની ઉંમરે થયો. જે દિવસે તેઓ મોક્ષમાં પધાર્યા, તે જ દિવસે સુધર્માસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શ્રી ગૌતમસ્વામીના પૂર્વભવની કથા - જુઓ બોધિસમાધિના નિધાન કથા ૧
(2) શ્રી સુધર્માચાર્ય [અપરનામ લોહાચાર્ય (પ્રથમ)
સુધર્માચાર્ય (લોહાચાર્ય) સાત પ્રકારની ઋદ્ધિ સહિત અને સમસ્ત શ્રુતજ્ઞાનના પારગામી હતા. પોતાના ઉપદેશામૃત દ્વારા જનસમુહના અજ્ઞાન અંધકારનો નાશ કરેલો.
શ્રી સુધર્મસ્વામીનો પરિચય
મગધદેશના સંવાહન નગરમાં રાજા સુપ્રતિષ્ઠ રાજ્ય કરતા હતા. તેમની ધર્મવત્સલા સહધર્મિણીનું નામ રુકિમણી હતું. તેમને સુધર્મ નામનો પ્રિય પુત્ર હતો. તે કુશાગ્રબુધ્ધિશાળી, વિદ્યાઓના જ્ઞાનમાં શ્રેષ્ઠ, સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા, અનેક કળાઓનો ધારક અને સજ્જનોના મનને આનંદ તેમ જ શત્રુપક્ષ રાજકુમારોને ભય ઉત્પન્ન કરાવવાળો અર્થાત્ પરાક્રમી હતો.
એક દિવસ સમવસરણ સહિત ભગવાન મહાવીરના મંગલ શુભાગમનના સમાચાર સાંભળીને રાજા સુપ્રતિષ્ઠ પરિવાર સહિત પ્રભુની વંદના અને ધર્મોપદેશના લાભની ભાવનાથી સમવસરણમાં આવે છે.
પ્રશાંત મુદ્રાધારી મહાવીર પ્રભુના સાક્ષાત્ દર્શન થતાં જ રાજા સુપ્રતિષ્ઠ અત્યંત આનંદિત થયા. અહો ! જેમ રંક પુરૂષ ચિંતામણિ પ્રાપ્ત થતાં ન્યાલ થઈ જાય છે, તેમ વીર પ્રભુના દર્શન થતાં રાજાને પરમ સંતોષ થયો અને અનેક પ્રકારે જિનેન્દ્ર પ્રભુની સ્તુતિ કરતાં પોતાના યોગ્ય સ્થાને બેઠા.
"ભવિ ભાગન વસ જોગે વશાય" પ્રમાણે તે જ સમયે ચૈતન્યસ્વરૂપની ગર્જના કરતી વીરપ્રભુની દિવ્યધ્વનિ ખરવા લાગી :
"અહો ભવ્યજીવો ! આત્મસ્વભાવ અચિંત્ય વૈભવશાળી છે. પ્રત્યેક આત્મા સ્વભાવથી ભગવાન છે. જો સાચી દિશામાં પુરુષાર્થ કરે તો પ્રગટ પર્યાયમાં પણ ભગવાન બની શકે છે. અરે ! દુઃખ એ વાતનું છે કે આ જીવે આજસુધી પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપી મદિરાનું પાન કરી પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલી ગયો છે. જેમ અગ્નિ લાકડાથી કદી તૃપ્ત થતી નથી, તેવી જ રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયની તૃષ્ણા પણ કદી ભોગ સામગ્રીથી તૃપ્ત થતી નથી.
હે ભવ્ય જીવો ! આ જીવન ક્ષણભંગુર છે. શીઘ્ર આત્મહિત કરવાનો આજે ઉત્તમ અવસર આવ્યો છે. ચિંતામણિ રત્ન સમાન આ મહા દુર્લભ અવસરને શરીરાશ્રિત પાંચ ઇન્દ્રિયોના ભોગમાં ગુમાવવો તે તો રાખને માટે રત્નને બાળવા સમાન મૂર્ખતાભર્યું કાર્ય છે. જાગો ! જાગો ! આત્મકલ્યાણનો અમૂલ્ય સમય વીતી રહ્યો છે"
આ પ્રમાણે તીર્થંકર મહાવીર પ્રભુની દિવ્યધ્વનિમાં નિજ ચૈતન્ય તત્વની અપૂર્વ મહિમાની તેમ જ સંસાર-દેહ અને ભોગની અસારતાની સિંહ ગર્જના સાંભળતા જ રાજા સુપ્રતિષ્ઠનો અંતરાત્મા જાગૃત થયો. તેઓ સંસાર, દેહ અને ભોગથી અત્યંત વિરક્ત થઈ દિગંબર વીતરાગી સંત થઈ ગયા. અહો ! ધન્ય તે મુનિરાજ ! તેઓ તો તીર્થંકર મહાવીરના ચોથા ગણધર પણ થઈ ગયા. શું તેમની અદ્ભુત પાત્રતા ! શું તેમનો અપૂર્વ પુરુષાર્થ ! આ દ્રશ્ય પ્રત્યક્ષ દેખનારા આશ્ચર્યચકિત થઈ ગયા !
સુધર્મકુમારના મનમાં પણ પોતાના પિતાની આ ભવદુઃખ વિનાશીની જિનદીક્ષા જોતાં જ વૈરાગ્યભાવ પ્રગટ થયો. કુમાર વિચારવા લાગ્યા : "અરે ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં મેં અનંતવાર અનેક પ્રકારના મનોરમ્ય ભોગ ભોગવ્યા છે. અનંતવાર આવા રાજ્ય વૈભવનો ઉપભોગ કર્યો છે, પરંતુ ચૈતન્યપદનું રાજ્ય આજ સુધી પ્રાપ્ત કર્યું નથી. હવે તો આ મનુષ્યભવમાં મુક્તિવધુના સ્વયંવરસ્વરૂપ ભગવતી જિનદીક્ષા ગ્રહણ કરવાનો મંગલ અવસર આવ્યો છે. હું પણ આજે જ ભગવતી જિનદીક્ષા અંગીકાર કરીશ."
આમ વિચાર કરીને સુધર્મકુમારે પણ જિનદીક્ષા અંગીકાર કરી.
જેમની વૃત્તિ આકાશ સમાન અસંગ અને વાયુ સમાન નિર્લેપ છે એવા મુનિરાજ સુધર્મસ્વામી મુનિસંઘ સાથે વિહાર કરવા લાગ્યા. જ્યાં જ્યાં મુનિરાજના ચરણ પડતાં તે ધરતી ધન્ય થતી ! મુનિરાજની પરમ શાંતમુદ્રા દેખતાં જ પશુઓ પણ પોતાનો વેરવિરોધ ભૂલી જતાં.
શત્રુ-મિત્ર, કંચન-કાચ કે મહેલ-સ્મશાન પ્રતિ સમભાવી મુનિરાજ સુધર્મસ્વામી એકવખત વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીના ઉપવનમાં પધાર્યા. મુનિરાજના પધારવાથી આખું વન વસંતોત્સવ જેવું પ્રફુલ્લિત થઈ ગયું.
એકવાર સુધર્મસ્વામી મુનિરાજ સંઘસહિત વિહાર કરતા ઉડ્રદેશના ધર્મપુરનગરમાં પધાર્યા. ત્યાંના નજીકના ઉપવનમાં સ્થિર થઈ આત્મ-આરાધના કરવા લાગ્યા. ઉડ્રદેશના રાજાનું નામ યમ હતું. તેને અનેક રાણીઓ હતી, જેમાં ધનવતી નામની રાણીથી ગર્ધભ નામનો પુત્ર અને કૌણિકા નામની પુત્રી થઈ હતી. બીજી રાણીઓથી પાંચસો પુત્ર થયા હતા. આ બધા જ પાંચસો પુત્ર એકબીજા પ્રત્યે વાત્સલ્યયુક્ત હતા. તેઓ ધર્માત્મા અને સંસાર પ્રતિ અત્યંત ઉદાસીન હતા. રાજા યમના રાજ્યમંત્રીનું નામ દીર્ઘ હતું, જેઓ અત્યંત બુધ્ધિશાળી હોવા ઉપરાંત કુશળ રાજનીતિજ્ઞ હતા.
પોતાના જ વનમાં સુધર્મસ્વામીનું શુભાગમન જાણી તથા નગરજનોને પૂજન સામગ્રી લઈ મુનિસંઘની પૂજા-વંદના કરતાં જોઈને, રાજા યમ પણ પોતાની પંડિતાઈના અભિમાનથી વીતરાગી મુનિરાજોની નિંદા કરતાં ત્યાં પહોંચ્યા. વીતરાગી મુનિરાજોની નિંદા તેમ જ પોતાના ક્ષયોપશમ જ્ઞાનના અભિમાનને કારણે રાજા યમનો આત્મા ભયંકર દુઃખ સમુદ્રમાં ડૂબી ગયો.
અરે ! ધર્માત્માનો અવર્ણવાદ વિચારવો તે ધર્મનો જ અવર્ણવાદ છે, જેના ફળમાં અનંત સંસારની દુઃખમય દશાઓમાં પરિભ્રમણ કરવું પડે છે.
રાજા યમને પોતાના આવા દુષ્કૃત્યના કારણે એવા તીવ્ર પાપકર્મનો ઉદય આવ્યો કે તેની બધી જ પંડિતાઈનું જ્ઞાન ક્ષણવારમાં નષ્ટ થઈ ગયું. વિચારો... ક્યાં થોડા સમય પહેલાની પંડિતાઈથી ભરેલી રાજા યમની દશા અને હવે ક્ષણભરમાં ક્યાં તેમની બુધ્ધિવિહીન દશા ! પર્યાયની કેવી ક્ષણભંગુરતા ! આત્મજ્ઞાન વિનાના ક્ષયોપશમ જ્ઞાનનું ક્યારેય અભિમાન કરવું નહીં, ક્યારેય તેનો મહિમા કરવો નહીં, ક્યારેય તેમાં એકત્વબુદ્ધિ કરવી નહીં. એ જ્ઞાન તો મિથ્યાજ્ઞાન છે, અજ્ઞાન છે. અહો ! આ સમયે સમયે બદલાતી પર્યાયના ચક્રવ્યુહથી પાર ત્રિકાળી ઘ્રુવ તત્વ જ વિશ્વાસ કરવા યોગ્ય છે, તેમાં જ અહંપણું કરવાયોગ્ય છે. ક્ષણે ક્ષણે પરિવર્તન થતી અવસ્થાઓ જરા પણ આશ્રય કરવાયોગ્ય નથી.
રાજા યમ પોતાની આવી દીન-હીન દશા જોઈને આશ્ચર્યચકિત થઈ દુઃખી થાય છે. મનમાં જ પોતાના દુષ્કૃત્યની અને ખરાબ ભાવનાની નિંદા કરે છે. તે મુનિરાજ સુધર્માચાર્યની ત્રણ વખત પ્રદક્ષિણા કરે છે અને અત્યંત વિનયપૂર્વક નમસ્કાર કરી, ધર્મનો ઉપદેશ સાંભળવાની ઇચ્છાથી મુનિરાજ સામે એકીટશે દેખે છે. મુનિરાજ પણ નિષ્કારણ કરૂણાથી કહે છે:
"અહાહા ! આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મતત્વ છે. અરેરે ! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો. રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે. ત્યાંથી દ્રષ્ટિ છોડી દે અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિ જોડી દે. રાગને તું ભૂલી જા ! તારા પરમાત્મતત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ પર્યાયરૂપે હું છું - એ પણ ભૂલી જા. અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શાં ? જ્યાં પર્યાયને જ ભૂલવાની વાત છે ત્યાં રાગ અને દેહની વાત જ ક્યાં રહી ? અહાહા ! એકવાર તો મડદા ઉભા થઈ જાય એવી વાત છે એટલે કે સાંભળતા જ ઊછળીને અંતરમાં જાય એવી વાત છે."
મુનિરાજ સુધર્મસ્વામીના મુખરૂપી ચંદ્રમાંથી ઝરતા ઉપદેશામૃતનું પાન કરીને રાજા યમ સંતુષ્ટ થયો. તેને અંતરમાં ઘણી શાંતિ થઈ. પોતાની પર્યાયની ક્ષણભરમાં બદલતી અવસ્થાના વિચારથી તેના અંતરમાં વૈરાગ્ય પ્રગટ થયો. તે પોતાના પુત્ર ગર્ધભને રાજ્ય સોંપી, પોતાના પાંચસો પુત્ર સાથે ભગવતી જિનદીક્ષા અંગીકાર કરી, આત્મસાધનામાં લીન થયા.
જે દિવસે ગૌતમસ્વામી નિર્વાણ પામ્યા, તે જ દિવસે સુધર્માચાર્યને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ અરિહંત-કેવળી- સર્વજ્ઞ થયા અને બાર વર્ષ સુધી (વીર નિર્વાણ સંવત ૧૩ થી ૨૪ સુધી - ઈ.સ. પૂર્વે ૫૧૫ થી ૫૦૩ સુધી) અરિહંતપદમાં રહ્યા. કેવળી સુધર્મસ્વામીનો નિર્વાણ વિપુલાચલ પર વીર નિર્વાણ સંવત ૨૪ માં (ઇ.સ. પૂર્વે ૫૦૩ માં) થયો.
(3) અંતિમ કેવળી શ્રીજંબુસ્વામી
જંબુસ્વામી ચંપાનગરીના શેઠ અર્હત્દાસના પુત્ર હતા અને તેમની માતાનું નામ જિનદાસી હતું. તેમના ગર્ભમાં આવતા પહેલાં જ તેમની માતાએ હાથી, સરોવર, શાલિક્ષેત્ર, નિર્ધૂમ અગ્નિશિખા અને જંબુફળ - એ પાંચ સ્વપ્નો જોયા. સ્વપ્નનું ફળ ’તેમને યશસ્વી પુત્રનો જન્મ થશે’ એવું જાણીને માતાને અત્યંત પ્રસન્નતા થઈ.
જંબુકુમાર બાળપણથી જ ગંભીર, વૈરાગી તથા પરાક્રમી હતા. શ્રેષ્ઠિપુત્ર જંબુકુમારનું સ્થાન રાજા શ્રેણિકના દરબારમાં અને તે વખતના સમાજમાં મહત્વપૂર્ણ હતું. તેમણે એક વખત મદોન્મત્ત હાથીને વશ કરેલો. તેમની આવી વીરતા અને સાહસથી પ્રભાવિત થઈ સાગરદત્ત શેઠે પોતાની પદ્મશ્રી નામની કન્યા, કુબેરદત્તે કનકશ્રી, વૈશ્રવણ શેઠે વિનયશ્રી અને ધનદત્ત શેઠે રુપશ્રીનો વિવાહ જંબુકુમાર સાથે કરવાનો નિર્ણય કર્યો.
જંબુકુમારે તો એક મુનિરાજ પાસેથી ઉપદેશ સાંભળી વિરક્ત થઈ દિક્ષા ગ્રહણ કરવાનો વિચાર કર્યો હતો, છતાં માતા-પિતા પુત્રને પરિવારના બંધનમાં રાખવાના હેતુથી તેમના લગ્ન કરાવે છે. ચારેય દેવાંગના જેવી કન્યાઓ પોતાના હાવભાવ, રૂપ લાવણ્ય અને બુધ્ધિચાતુર્યથી તેમના હૃદયને વિચલિત કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ જંબુકુમાર તો મેરૂપર્વતની જેમ અડગ રહે છે. તે જ રાત્રે વિદ્યુતચર નામનો ચોર જંબુકુમારના મહેલમાં ચોરી કરવા આવે છે, પણ જંબુકુમાર તથા તેમની નવ-વિવાહીતા સ્ત્રીઓની ચર્ચા સાંભળી, જંબુકુમારની વૈરાગ્ય પરિણતિ જોઈ, તે પણ જંબુકુમારની સાથે ભગવાન મહાવીરની ધર્મસભામાં દીક્ષિત થાય છે. ચારેય ગુણવાન કન્યાઓએ પણ પોતાની રૂચિ વિષય-કષાયથી ખસેડીને વૈરાગ્ય તરફ વાળી અને દીક્ષા અંગીકાર કરી અર્જિકા થઈ ગયા. જંબુકુમારની માતા પણ અર્જિકા બની ગઈ અને પિતાએ મુનિવ્રત ધારણ કર્યું, આમ સમગ્ર વાતાવરણ અત્યંત વૈરાગ્યમય બની ગયું.
મુનિરાજ જંબુકુમાર નિરંતર આત્મ-સાધનામાં લીન રહેવા લાગ્યા. મથુરા નગરીના ચૌરાસી નામના સ્થળ ઉપર ઉગ્ર તપ કર્યું હતું. તેમના ગુરુ સુધર્મસ્વામી કેવળી ભગવંતને નિર્વાણની પ્રાપ્તિ થઈ તે જ દિવસે જંબુસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને અરિહંત-સર્વજ્ઞ થયા. અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી ભગવાને ૩૮ વર્ષ સુધી મગધથી મથુરા સુધીના અનેક પ્રદેશોમાં વિહાર કરી ધર્મનો ઉપદેશ આપ્યો. અંતે, વીર નિર્વાણ સંવત ૬૨ માં (ઇ.સ. પૂર્વે ૪૬૫ માં) જંબુસ્વામી નિર્વાણ પામ્યા. જંબુસ્વામીના નિર્વાણ બાદ કોઈ અનુબદ્ધ કેવળી થયા નથી.
આ પ્રમાણે તીર્થંકર મહાવીર ભગવાનના નિર્વાણ બા્દ
|
|
તેનો સમય |
વીર નિર્વાણ સં. |
ઇ.સ. પૂર્વે (B.C.) |
1. |
શ્રી ગૌતમસ્વામી |
૧૨ વર્ષ |
૧ થી ૧૨ |
૫૨૭ થી ૫૧૫ |
2. |
શ્રી સુધર્મસ્વામી |
૧૨ વર્ષ |
૧૩ થી ૨૪ |
૫૧૫ થી ૫૦૩ |
3. |
શ્રી જંબુસ્વામી |
૩૮ વર્ષ |
૨૫ થી ૬૨ |
૫૦૩ થી ૪૬૫ |
|
|
કુલ... ૬૨ વર્ષ |
|
|
ત્રણેય અનુબદ્ધ કેવળી ભગવંતોનો ધર્મ પ્રવર્તનનો સામુહિક સમય ૬૨ વર્ષનો છે.