શ્રી મહાવીરશાસનની પરંપરા

વીતરાગી જૈનશાસનની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. કેમ કે આ જૈનશાસન શાશ્વત સત્ય પર આધારિત છે. આ શાશ્વત સત્યમાં કોઈપણ કાળે ફેરફાર થતો નથી. આ વીતરાગી શાસનની ગૌરવપૂર્ણ પરંપરાના પુનિત પ્રવાહમાં, જંબુદ્વીપના આપણા ભરતક્ષેત્રમાં આ ચોવીસીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનથી લ‍ઇને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે શાશ્વત સત્યના પ્રતિપાદક જૈનદર્શનમાં વસ્તુ વ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું છે. શાસનનાયક ભગવાન મહાવીર પછી આ પરંપરામાં અનેક આચાર્ય-મુનિવરો તથા જ્ઞાની-વિદ્વાન પંડિતવર્યોએ પોતાની આત્મસાધનાની સાથે સાથે ભવ્યજીવોના કલ્યાણના કારણભૂત આ જૈનદર્શનના પ્રવાહને સતત વહેતો રાખ્યો છે.

જૈન પરંપરા પ્રમાણે ભરતક્ષેત્રમાં કાળનું ચક્ર પરિવર્તિત થયા જ કરે છે. જો કે કાળનો પ્રવાહ અનાદિ-અનંત છે, તો પણ તે કાળચક્રના છ વિભાગ છે :

ક્રમ કાળનું નામ તેનો સમય
1. સુષમસુષમા (અતિસુખરૂપ) ૪ ક્રોડાક્રોડી સાગર
2. સુષમા (સુખરૂપ) ૩ ક્રોડાક્રોડી સાગર
3. સુષમદુષમા (સુખ-દુઃખરૂપ) ૨ ક્રોડાક્રોડી સાગર
4. દુષમસુષમા (દુઃખ-સુખરૂપ) ૧ ક્રોડાક્રોડી સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઓછા
5. દુષમા (દુઃખરૂપ) ૨૧૦૦૦ વર્ષ
6. દુષમદુષમા (અતિ દુઃખરૂપ) ૨૧૦૦૦ વર્ષ
કુલ : ૧૦ ક્રોડાક્રોડી સાગર

જેમ ચાલતી ગાડીના પૈડાંનો દરેક ભાગ નીચેથી ઉપર તરફ અને ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, તેવી જ રીતે આ છ વિભાગ પણ ક્રમસર સદાય પરિવર્તિત થયા કરે છે. જે સમયે જગત સુખથી દુઃખ તરફ જાય છે તે સમયને "અવસર્પિણી કાળ" કહે છે, જેમાં જીવોના જ્ઞાન આદિનો ક્રમશઃ ઘટાડો થાય છે. અને જ્યારે દુઃખથી સુખ તરફ જાય છે તે સમયને "ઉત્સર્પિણી કાળ" કહે છે, જેમાં જીવોના જ્ઞાન આદિની ક્રમશઃ વૃધ્ધિ થાય છે.

અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનો કુલ સમય વીસ ક્રોડાક્રોડી સાગર છે, જેને એક કલ્પકાળ કહેવામાં આવે છે. અસંખ્યાત અવસર્પિણી કાળ વીતી ગયા પછી એક હુંડાવસર્પિણી કાળ (અતિનિકૃષ્ટ કાળ) આવે છે. હાલ એવો જ હુંડાવસર્પિણીકાળનો પાંચમો આરો અહીં ચાલે છે. તેના એકવીસ હજાર વર્ષમાંથી અત્યારે અંદાજે ૨૫૩૫ વર્ષ ચાલ્યા ગયા છે, હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ બાકી છે.

પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના દુષમ-સુષમા નામના કાળમાં ચોવીસ તીર્થંકરોનો જન્મ થાય છે, જેઓ પૂર્ણ વીતરાગ અને સર્વજ્ઞદશાને પ્રાપ્ત કરી જૈનધર્મનો ઉપદેશ આપે છે. આજસુધીમાં અનંત ચોવીસી થઈ ચુકી છે અને ભવિષ્યમાં પણ થતી જ રહેશે. આગમ પ્રમાણે વર્તમાન ચોવીસ તીર્થંકરોના નામ આ પ્રમાણે છે:

ક્રમ વર્તમાનના ચોવીસ તીર્થંકરો
1 ભગવાન ઋષભદેવ
2 ભગવાન અજિતનાથ
3 ભગવાન સંભવનાથ
4 ભગવાન અભિનંદન
5 ભગવાન સુમતિનાથ
6 ભગવાન પદ્મપ્રભ
7 ભગવાન સુપાર્શ્વનાથ
8 ભગવાન ચંદ્રપ્રભ
9 ભગવાન સુવિધિનાથ
10 ભગવાન શીતલનાથ
11 ભગવાન શ્રેયાંસનાથ
12 ભગવાન વાસુપૂજ્ય
13 ભગવાન વિમલનાથ
14 ભગવાન અનંતનાથ
15 ભગવાન ધર્મનાથ
16 ભગવાન શાંતિનાથ
17 ભગવાન કુંથુનાથ
18 ભગવાન અરનાથ
19 ભગવાન મલ્લિનાથ
20 ભગવાન મુનિસુવ્રત
21 ભગવાન નમિનાથ
22 ભગવાન નેમિનાથ
23 ભગવાન પારસનાથ
24 ભગવાન મહાવીર

વર્તમાન યુગમાં જૈનધર્મના આદિ પ્રવર્તક ભગવાન ૠષભદેવ હતા અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર હતા. ભગવાન મહાવીરના ચતુર્વિધસંઘમાં પાંચ લાખ નર-નારી હતા. શ્રાવક-શ્રાવિકા સંઘમાં દરેક વર્ગ અને જાતિના જીવો હતા. ભારતના ખૂણેખૂણામાં તેમના અનુયાયીઓ તો હતા જ, તદ્ઉપરાંત ભારત બહાર ગાંધાર, કપિશા અને પારસીક આદિ દેશોમાં પણ તેમના ભક્ત હતા.